માંગરોળ તાલુકાના સણધરા ગામે આવેલ બણભા ડુંગર પ્રવાસન કેન્દ્ર આદિવાસી સમાજના રીતિ રિવાજો અને આગામી ધાર્મિક તહેવારોને ધ્યાનમાં લઇ શરૂ કરવાની માંગ સ્થાનિક રટોટી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કરવામાં આવી હતી.
કોરોના વાયરસની મહામારીને કારણે છ-સાત મહિનાથી બણભા ડુંગર પ્રવાસન કેન્દ્રને વનવિભાગ દ્વારા તકેદારીના પગલારૂપે બંધ કરી દેવામાં આવ્યું હતું હાલમાં સ્થાનિક કક્ષાએ સંજોગોમાં સુધારા થતા રટોટી ગ્રામ પંચાયતના સરપંચ પ્રકાશભાઈ ગામીતે વાંકલ વન વિભાગના રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસરને એક લેખિત રજૂઆત કરી જણાવ્યું કે વર્ષોથી ચાલતા આદિવાસી સમાજના રીત રિવાજો મુજબ ખેતરોમાં થતા ધન-ધાન્ય સમાજના લોકો દ્વારા અને ખેડૂતો દ્વારા દેવી-દેવતાઓને અર્પણ કરવામાં આવે છે ત્યાર પછી જ ધન-ધાન્યનો ઉપયોગ લોકો કરતા હોય છે. પરંતુ હાલમાં બણભા ડુંગર પ્રવાસન કેન્દ્ર બંધ હોવાથી લોકો દેવી-દેવતાઓને ધન ધાન્ય અર્પણ કરવા માટે અને દર્શન માટે જઈ શકાતું નથી ત્યારે અમારા રીતરિવાજો તેમજ આવનારા ધાર્મિક તહેવારોને ધ્યાનમાં લઇ બણભા ડુંગર પ્રવાસન કેન્દ્ર ખુલ્લું મૂકવા માંગ કરી હતી. વન વિભાગ દ્વારા ખુલ્લું મુકવામાં આવતા વિસ્તારના લોકોમાં આનંદ વ્યાપી ગયો છે.
વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ.