માંગરોળ તાલુકાના વાંકલ ગામે માનવ અધિકાર અને પર્યાવરણ બચાવવા મુદ્દે યોજાયેલ સામાજિક લોકજાગૃતિ કાર્યક્રમમાં મહિલાઓને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
દિલ્હી ખાતે કાર્યરત એક્શન એડ એસોસિએશન સંસ્થા દેશના 24 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૌથી પછાત સમુદાયો સાથે સંકળાઇને સામાજિક અને ઇકોલોજીકલ ન્યાય માટે કામ કરે છે જેમાં સમાનતા બંધુત્વ સ્વતંત્રતા અને માનવ અધિકાર માટે વિસ્તૃત કામગીરી કરવામાં આવી રહી છે સાથે મહિલા હિંસા વિરોધ અંગે લોકજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે વાંકલ ગામે એક્શન એડ સંસ્થાના સુરત જિલ્લા કક્ષાના પ્રતિનિધિ રૂક્ષ્મણીબેન ચૌધરી ના નેતૃત્વ હેઠળ લોક જાગૃતિ કાર્યક્રમનું આયોજન થયું હતુ જેમાં લવેટ, સેલારપુર, વાંકલ, ઝરણી, ભડકુવા વગેરે ગામની મહિલાઓ તેમજ જીઆરડી મહિલા બહેનો ઉપસ્થિત રહી હતી.
આ કાર્યક્રમમાં માંગરોળ તાલુકા પંચાયત ના સભ્ય તૃપ્તિબેન મૈસુરીયા ઉપસ્થિત રહ્યા હતા તેમણે મહિલાઓના હક અધિકાર મહિલા ઉત્થાન અંગે તેમજ સરકારની વિવિધ યોજનાઓના લાભ કઈ રીતે લઈ શકાય તે બાબતે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં યુવા પરિવર્તન સંસ્થાના મહિલા પ્રતિનિધિ જાનવીબેન ચૌધરી મહિલા ઉત્થાન માટેની વિવિધ તાલીમો અંગે માહિતી આપી હતી. એક્શન એડ સંસ્થાના પ્રતિનિધિ રૂક્ષ્મણીબેને ચૌધરી એ જણાવ્યું કે મહિલા હિંસા વિરુદ્ધ લોકજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે સમાજમાં અનેક મહિલાઓ હિંસાનો ભોગ બની રહી છે તેને અટકાવવા સાથે મળીને આપણે પ્રયાસો કરવા પડશે તેમજ વિધવા અને એકલ મહિલાઓને સરકારની વિધવા સહાય પેન્શન યોજનાના લાભો તેમને મળે એ દિશામાં સંસ્થા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. વધુમાં તેમણે કહ્યું કે ગ્લોબલ વોર્મિંગ હાલના સમયે માનવ જીવન માટે મોટો ખતરાનો ખૂબજ જટિલ પ્રશ્ન છે પર્યાવરણનુ રક્ષણ કરવાની દરેક માનવની સામાજિક જવાબદારી બની ગઈ છે ત્યારે આ મુદ્દે ધ્યાન આપણે નહીં આપીએ તો આવનારી પેઢીનું જીવન ખૂબજ મુશ્કેલ બની જશે. આ કાર્યક્રમમાં કાનૂની સહાય સંસ્થાના નીતાબેન ચૌધરી ગીતાબેન ચૌધરી વગેરે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ