ચોમાસાની ઋતુ પૂર્ણ થવા છતાં શાહ ગામના બ્રિજ નિર્માણની બાજુમાં આપેલ ડાયવર્ઝન ફરી શરૂ ન કરાતા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ આંદોલનની ચીમકી આપતા ડાયવર્ઝન આપવાનું કામ શરૂ કરાયું છે.
માંગરોળ નાની નરોલી રાજ્ય ધોરી માર્ગ પર શાહ ગામના પાટીયા પાસે જુનો સાંકડો બ્રિજ તોડી નવા બ્રિજનું નિર્માણ શરૂ કરાયું હતું આ સમયે બ્રિજ નિર્માણની બાજુમાંથી ડ્રાઇવર્ઝન આપવામાં આવ્યું હતું પરંતુ ચોમાસાની ઋતુ શરૂ થતા તકેદારીના ભાગરૂપે નાયબ કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી વસરાવી ગામ થઈ વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો હતો. હાલ ચોમાસાની ઋતુ પૂર્ણ થવા છતાં બ્રિજની બાજુનું જૂનું ડાયવર્ઝન ફરી શરૂ નહીં કરાતા તાલુકા મથક પર આવતા જતા વાહન ચાલકોનો સમય બગડતો હતો તેમજ સાંકડો ખરાબ માર્ગને લઈ વાહન ચાલકો મુશ્કેલી અનુભવતા હતા જે અંગેની વારંવાર ફરિયાદો ઉઠી હતી. ત્યારબાદ કોંગ્રેસ સમિતિના આગેવાનો તેમજ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ મનહર પટેલ વગેરેના પ્રતિનિધિ મંડળે બ્રિજ નિર્માણ સ્થળની મુલાકાત લીધી હતી અને બ્રિજની બાજુમાં જૂનું ડાયવર્ઝન ફરી શરૂ કરવામાં આવે નહીં તો મોસાલી ચાર રસ્તા ખાતે રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપી હતી, જેને પગલે હાલ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા જૂનું ડાયવર્ઝન ફરી શરૂ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ