માંગરોળ નાની નરોલી રાજ્ય ધોરી માર્ગ ઉપર શાહ ગામના પાટીયા પાસે નિર્માણ થઈ રહેલ બ્રિજની બાજુમાં ડ્રાઇવર્ઝન શરૂ નહીં કરાતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને સ્થાનિક કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપી હતી.
શાહ ગામના પાટીયા નજીક બ્રિજ નિર્માણનો પ્રારંભ થતાં બ્રિજની બાજુમાંથી ડાઈવર્ઝન અપાયું હતું પરંતુ ચોમાસુ શરૂ થતા તકેદારીના ભાગરૂપે નાયબ કલેકટરે જાહેરનામું બહાર પાડી ડાઈવર્ઝન બંધ કર્યું હતું અને વિકલ્પ રૂપે વસરાવી ગામ થઈ વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો હતો. હાલ વસરાવી ગામનો સિંગલ પટ્ટી રસ્તો સાંકડો અને અતી ખરાબ હાલતમાં છે, સાકડા રસ્તા ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ રહી છે અકસ્માતો થઈ રહ્યા છે એક તરફ સ્કૂલના વિદ્યાર્થીઓ જીઆઇપીસીએલ કંપનીના કામદારો તેમજ આસપાસ વિસ્તારના લોકો માટે તાલુકા મથકે જવાનો સીધો રસ્તો હોવાથી વધુ વાહનચાલકો આ રસ્તા નો ઉપયોગ કરતા હોય છે હાલ વાહન ચાલકોએ બે ત્રણ કિલોમીટરનો ફેરવો લેવો પડે છે જેમાં સમયનો બગાડ અને આર્થિક નુકસાન વેઠવું પડે છે જેથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જે અંગે ની ફરિયાદ અનેક લોકો દ્વારા તાલુકા કોંગ્રેસ સમિતિને મળી હતી જેથી લોક સમસ્યાના નિરાકરણ માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનહર પટેલ, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી શાહબુદ્દીન મલેક, માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શામજી ચૌધરી, અનિલ ચૌધરી, રૂપસિંગ ગામીત, અયાઝ મલેક,સઇદ ભાણા, પ્રકાશ ગામીત, પિયુષ બારોટ, ગુરુજી ચૌધરી,વગેરે આગેવાનોના પ્રતિનિધિ મંડળે શાહ ગામના પાટીયા પાસે નિર્માણ થઈ રહેલ બ્રિજની મુલાકાત લીધી હતી તેમજ આ બાબતે સ્થળ પર કામ કરનાર એજન્સીના જવાબદારો પાસેથી માહિતી મેળવી હતી કોંગ્રેસના આગેવાનોએ બ્રિજની બાજુમાં અગાઉ મુજબનું જૂનું ડાયવર્ઝન વાહન ચાલકોના હિતમાં શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. ટૂંક સમયમાં જવાબદાર અધિકારીઓ આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં કરે તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને આગેવાનોએ મોસાલી ચાર રસ્તા ખાતે રસ્તા રોકો આંદોલન કરશે તેવી ચીમકી આપી છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ