સુરત જિલ્લામાં વધી રહેલા લમ્પી વાયરસના કારણે અનેક પશુઓએ જીવ ગુમાવ્યો છે. જેના કારણે જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જો માંગરોળ તાલુકાની વાત કરવામાં આવે તો, હાલમાં માંગરોળ તાલુકામાં કુલ 56 જેટલા લમ્પી વાયરસના એક્ટિવ કેસ છે. જેના કારણે તાલુકાના પશુપાલકો ચિંતિત છે.
માંગરોળમાં વધી રહેલા લમ્પી વાયરસના કેસોને જોતાં માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ વેરાકુઈ ગામની મુલાકાત લીધી અને અધિકારીઓને જરૂરી સલાહ સૂચનો આપ્યા હતા.વેરાકુઈ ગામે 15 થી વધુ પશુઓના મોત બાદ પણ માત્ર 2 પશુઓના મોત લમ્પી વાયરસના કારણે થયા હોવાનો તંત્રએ દાવો ર્ક્યો છે. પશુઓના મોત બાદ જાગેલા તંત્ર દ્વારા 24 ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ થયાની માહિતી આપવામાં આવી છે. તેમાં અત્યાર સુધીમાં અંદાજીત 10,000 ગાય વર્ગ પશુને રસીકરણ આપવામાં આવી છે. જીલ્લા પંચાયત પશુપાલન વિભાગની ત્રણ ટીમો દ્વારા માંગરોળ તાલુકામાં સર્વેલસ અને સારવારની કામગીરી કરવામાં આવી હતી. શંકાસ્પદ પશુઓને ઘરબેઠા મફતમાં સારવાર આપવામાં આવે છે. વધુમાં પશુપાલન ટીમ દ્વારા રોજેરોજ ગામોની મુલાકાત લઈ રોગચાળો અટકાવવા પશુપાલકો ને જાણકારી આપવામાં આવે છે ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે આ કામગીરી આગામી દિવસો માં પણ ચાલુ રહશે.
પશુપાલકોને પશુઓ લમ્પી વાયરસથી સંક્રમિત થયા બાદ દૂધ ઉત્પાદન અને આવક પર અસર થશે તેવો ભય લાગી રહ્યો છે. ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ આદિજાતિ પશુપાલન મંત્રીને ટેલીફોનીક જાણ કરવામાં આવી હતી.