માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામે લમ્પી વાયરસના કારણે એક પછી એક 15 જેટલા પશુઓના મોત નીપજતા પશુપાલકો ચિંતામાં ઘરકાવ થયા છે.
છેલ્લા કેટલાક દિવસથી માંગરોળ તાલુકામાં પશુઓમાં ફેલાતો લમ્પી વાયરસે જોર પકડતા તાલુકાના વેરાકુઈ ગામે થોડા જ દિવસના સમયગાળામાં એક પછી એક 15 પશુઓના મોત થતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે જેમાં ગાયના મરણની સંખ્યા વધી રહી છે જ્યારે તાલુકાના આજુબાજુના બોરીયા સહિતના વિવિધ ગામોમાં પણ લમ્પી વાયરસ કારણે પશુઓના મોતની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. થોડા સમય પહેલા લમ્પી વાયરસથી પશુઓના મોત નહીં થાય એ માટે પશુઓને રસી આપવામાં આવી હતી પરંતુ છેલ્લા દસ દિવસથી લમ્પી વાયરસ વક્રરી રહ્યો છે અને લમ્પી વાયરસ દિન પ્રતિદિન વિવિધ ગામોમાં ફેલાતા પશુઓના મોત થવાની સંખ્યા વધી રહી છે જે બાબત ચિંતાજનક છે.
હાલના તબક્કે ગાય બળદ સહિતના પશુઓ જેના પર ખાસ આદિવાસી પશુપાલકોનુ ગુજરાત ચાલે છે ત્યારે પશુઓના મોત થતાં પશુપાલક પરિવારોની હાલત કફોડી બની રહી છે. તાલુકાના વેરાકુઈ ગામના પૂર્વ ઉપ સરપંચ અને પશુપાલક મનસુખભાઈ ગામીતે આ બાબતે જણાવ્યું કે અગાઉ સુમુલ ડેરી દ્વારા અમારા પશુઓને રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લમ્પી વાયરસ બાબતે પશુઓની સારવારના પગલાં લેવાયા નથી જેથી 10 થી 15 પશુના મોત થયા છે અને હાલ હજી આ મોતનો સિલસિલો ચાલુ છે. આ જ પ્રમાણે માંગરોળ તાલુકાના બોરીયા સહિત ગામોમાં લમ્પી વાયરસને કારણે ગાય સહિત દુધાળા પશુઓના મોત થઈ રહ્યા છે ત્યારે સરકારી પશુ ચિકિત્સા વિભાગ અને સુમુલ ડેરી પશુઓને બચાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરે તેવી લોક માંગ ઉઠી રહી છે.