માંગરોળ તાલુકાના શાહ ગામના મેગા ફૂડપાર્કમાં આવેલ સ્ક્રીટેગ કંપનીના નિકાલ કરાતા વેસ્ટ મટીરીયલમાંથી વ્યાપક દુર્ગંધ ફેલાતા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ મામલતદારને ફરિયાદ કરી લોક સમસ્યાનો નિરાકરણ કરવાની માંગ કરી હતી.
શાહ ગામના રહીશો છેલ્લા કેટલાક દિવસથી વ્યાપક દુર્ગંધને કારણે મુશ્કેલીમાં મુકાયા છે જે અંગે તેઓએ કોંગ્રેસ સમિતિને જાણ કરતા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શામજીભાઈ ચૌધરી સહિતના આગેવાનોએ શાહ ગામની મુલાકાત લીધી હતી ત્યારે સ્થાનિક લોકોએ દુર્ગંધ અંગે જણાવ્યું હતું તેમજ કંપની દ્વારા ગામના નદી કોતરમાં વેસ્ટ મટીરીયલનો નિકાલ કરવામાં આવી રહ્યો છે જેથી પશુ પક્ષીઓ અને પર્યાવરણને માઠી અસર થઈ રહી છે કોંગ્રેસ સમિતિએ સ્થળ તપાસ કર્યા બાદ માંગરોળના મામલતદાર પાર્થ જયસ્વાલને રૂબરૂ મળી પ્રબળ રજૂઆત કરી હતી તેમજ દુર્ગંધ અંગેના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે આગેવાનોએ માંગ કરી હતી. વધુમાં કોંગ્રેસ સમિતિના આગેવાનોએ તાલુકા આરોગ્ય કચેરી ખાતે આરોગ્ય અધિકારીને પણ શાહ ગામની સમસ્યા અંગે લેખિત ફરિયાદ કરી આરોગ્ય વિભાગ દ્વારા નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી.