માંગરોળ મામલતદાર કચેરી ખાતે યોજાયેલ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ગૌચરની જમીનના દબાણો સહિત વિવિધ પ્રશ્નો રજૂ કરાયા હતા.
મામલતદાર પાર્થ જયસ્વાલની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ શરૂ કરાયો હતો જેમાં માંગરોળ ગામે તેમજ અન્ય ગામોની ગૌચરની જમીનના દબાણોનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. આસરમા ગામના સરપંચ દ્વારા ગૌચરની જમીનમાં થયેલા દબાણનો પ્રશ્ન પણ રજૂ કરાયો હતો. મામલતદાર દ્વારા તલાટી કમ મંત્રીને માપણી અંગેની કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. માંગરોળ ગામ તેમજ અન્ય ગામોમાં આંકડા જુગાર ચાલી રહ્યા છે તે અંગે પ્રશ્નો રજૂ કરાતિ મામલતદાર દ્વારા આ બાબતે પોલીસને સૂચનાઓ અપાય હતી. મોસાલી બજારમાં બિનઅધિકૃત બાંધકામ કરી કરવામાં આવેલા દબાણો દૂર કરવાનો પ્રશ્ન રજૂ થયો હતો આ પ્રશ્ન અંગે હાલ કાર્યવાહી ચાલી રહી છે. વાંકલ ગામના બજાર માર્ગ ઉપર પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા સર્જાય રહી છે જેથી આ બાબતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આપવામાં આવેલ જવાબ સંતોષકારક નહીં હોવાથી ફરી માર્ગ અને મકાન વિભાગને આ પ્રશ્નનું નિરાકરણ કરવા મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. બોરસદ દેગડીયા જૂથ પાણી પુરવઠા યોજનાની જૂની પાઇપ લાઇન બિનઅધિકૃત રીતે જવાબદારો દ્વારા વેચી નાખવામાં આવી હોવાનો પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો અને આ બાબતે મામલતદાર દ્વારા પાણી પુરવઠા વિભાગના અધિકારીને પ્રશ્ન અંતર્ગત જવાબો આપવાની સૂચના આપવામાં આવી હતી. મામલતદાર પાર્થ જયસ્વાલ દ્વારા દરેક વિભાગના અધિકારીઓને ફરિયાદીના પ્રશ્નોનું સંતોષકારક નિવારણ થાય તે અંગે કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરોક્ત કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી બી ડી સિસોદિયા એ ટી ડી ઓ પ્રીતમભાઈ પરમાર તેમજ સરકારના વિવિધ વિભાગના સરકારી પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.