માંગરોળ તાલુકાના રતોલા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળી દૂધના ભાવ મેળવવામાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબરે વિજેતા બનતા સુમુલ ડેરીના ચેરમેનના હસ્તે દૂધ મંડળીના પ્રમુખશ્રીને પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર એનાયત કરાયો હતો.
રતોલા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ તરીકે ગુરજીભાઈ દુબલભાઈ ચૌધરી છેલ્લા ૩૨ વર્ષથી સેવા આપી રહ્યા છે તેમનો પારદર્શક અને પ્રમાણિક વહીવટને લઈ રતોલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ઓડિટ અ વર્ગ પ્રાપ્ત કરે છે અને સ્વચ્છતા અંગે ઇનામ પ્રમાણપત્રો મળતા આવ્યા છે અને તેમના સારા વહીવટનો લાભ સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતા રતોલા ગામના આદિવાસી પશુપાલકોને મળી રહ્યો છે. ચાલુ વર્ષે સુરત જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સુમુલ ડેરીની સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો વચ્ચે દૂધના શ્રેષ્ઠ ભાવ મેળવવા બાબતે થયેલી હરીફાઈમાં રતોલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી પ્રથમ ક્રમે વિજેતા બનતા સુમુલ ડેરીના ચેરમેન માનસિંગભાઈ પટેલ અને બોર્ડ ઓફ ડિરેક્ટરના હસ્તે રતોલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ ગુરજીભાઈ ચૌધરીને પ્રમાણપત્ર અને ₹ 10,000 નો રોકડ પુરસ્કાર અર્પણ કરાયો હતો. રતોલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનું ગૌરવ વધતા ગામના પશુપાલકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. મંડળીના પ્રમુખ ગુરજીભાઈ ચૌધરી તેમજ કમિટી સભ્યો સંચાલકોને ગ્રામજનો પશુપાલકો દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા.