માંગરોળ તાલુકા આસરમા, કઠવાડા સહિત તાલુકાના વિવિધ ગામોમાં હળપતિ સમાજના દિકરા દીકરીને જાતિના દાખલા પોતાના ગામમાં જ કાઢી આપવાની વ્યવસ્થા માંગરોળ મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવી હતી. હાલના સમયે મહત્વના એવા જાતિના દાખલા માટે હળપતિ સમાજના લોકોએ જાતિના દાખલા માટે કચેરીએ ધક્કા ખાવા ના પડે તેમને સરળતાથી ઘર આંગણે જાતિના દાખલા ઉપલબ્ધ થાય એવા શુભ આશયથી માંગરોળના મામલતદાર પાર્થ જયસ્વાલના સીધા માર્ગદર્શન હેઠળ નાયબ મામલતદારની ટીમ બનાવી જાતિના દાખલા ઇસ્યુ કરવાની ઝુંબેશ ઉપાડવામાં આવી છે.
આસરમા ગામની પ્રાથમિક શાળા તેમજ અન્ય ગામો હથોડા, મોસાલી, કઠવાડા, જેવા ગામોથી શરૂઆત કરવામાં આવી હતી. આસરમા ગામની પ્રાથમિક શાળા ખાતે નાયબ મામલતદાર પાયલબેન, હથોડા ખાતે નાયબ મામલતદાર ડાભી મોસાલી ખાતે નાયબ મામલતદાર પ્રફુલભાઈ અને તેમની ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. મામલતદાર કચેરીના આ હકારાત્મક અભિગમને હકારાત્મક સારો પ્રતિસાદ મળ્યો હતો. આસારમા ગામે અંબુભાઈ પટેલ, નવીનભાઈ વસાવા, એડવોકેટ કેયુરસિંહ પરમાર જેવા અગ્રણીઓએ ઉપસ્થિત રહી મામલતદાર કચેરી માંગરોળની આ પ્રજાભિમુખ પહેલની સરાહના કરી હતી. શાળાના આચાર્ય મોહનસિંહ ખેરે જરૂરી સહયોગ પૂરો પાડયો હતો.
માંગરોળમાં મામલતદાર કચેરી દ્વારા હળપતિ સમાજના દીકરા દીકરીને જાતિનાં દાખલા કાઢી આપવાની ખાસ ઝુંબેશ શરૂ કરાઇ
Advertisement