માંગરોળ તાલુકાના વાંકલ ગામે મુખ્ય માર્ગ પર સરકારી કોલેજ સામે રાજ્ય સરકારે લાખોના ખર્ચે નિર્માણ કરેલ અધ્યતન નવા બસ સ્ટેશનનું ઉદૃઘાટન થાય તે પહેલા જ ગતરાત્રી દરમિયાન અસામાજિક તત્વોએ પંખાને નુકસાન કરતા ગુનાહિત કૃત્ય કરનારા સામે પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.
ગત રાત્રી દરમિયાન વાંકલ કોલેજ સામે બસ સ્ટેશનમાં લગાવવામાં છ જેટલા પંખાઓને અસામાજિક તત્વોએ નુકસાન કર્યું હતું. આ ઘટનાની જાણ જન હિત રક્ષક સમિતિ માંગરોળના સભ્ય સીરીષભાઈ ચૌધરી અને અનુરાગ ચૌધરીને થતા તેઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તેમણે જણાવ્યું કે જાહેર સંપતિને નુકસાન કરી ગંભીર પ્રકારનું કૃત્ય કરનારા તત્વો સામે પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરે તે જરૂરી છે. વાંકલ કોલેજમાં ત્રણથી ચાર હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવી રહ્યા છે તેમની સુવિધા માટે લાખોના ખર્ચે જે સરકારે બનાવેલ બસ સ્ટેશન જેનું ઉદ્ઘાટન પણ હજી બાકી છે તે પહેલા પંખાને નુકસાન કરાયું છે. આ બાબતે અમે માંગરોળ પોલીસને લેખિત ફરિયાદ કરીશું કારણ કે આ સ્થળે કોલેજો, કન્યા કુમાર છાત્રાલયો, નવોદય વિદ્યાલય જેવી અનેક શૈક્ષણિક ઈમારતો આવેલી છે તેમજ બસ સ્ટેશન છે. આ તમામની સુરક્ષા તેમજ કોલેજમાં ભણવા આવતા ત્રણથી ચાર હજાર વિદ્યાર્થીઓની સુરક્ષા માટે રાત દિવસ પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે તેવી અમારી માંગણી છે. સ્થાનિક રહીશ ભરતભાઈ રાઠોડ એ જણાવ્યું કે કોલેજ મુખ્ય માર્ગ બેફામ બાઈક હંકારનારા રોડ રોમિયોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે સી.સી.ટી.વી કેમેરા લગાવવામાં આવે તેવી અમારી માંગણી છે. પોલીસ આ ગંભીર બાબતે યોગ્ય કાર્યવાહી નહીં કરે તો અગામી સમયમાં ગંભીર પ્રકારના ગુનાઓ બને તેવી શક્યતા વ્યક્ત કરી હતી.