માંગરોળ તાલુકાના વાંકલ ગામે વન વિભાગ પંચવટી કેન્દ્ર ખાતે ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને સિંચાઈ યોજનાના પ્રશ્નો અંતર્ગત મીટીંગ યોજાઇ હતી તેમજ બિરસા મુંડા પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો.
માંગરોળ તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા 500 કરોડની કાકરાપાર ઘોડદા વડ ઉદ્ધવહન સિંચાઇ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ યોજના પ્રારંભ થવાના પ્રથમ વર્ષે લાઈન લીકેજ સહિત કેટલાક પ્રશ્નો ઉદભવ્યા હતા જેનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે સિંચાઈ યોજનાના પ્રશ્નો અંતર્ગત મીટીંગ યોજાઇ હતી જેમાં સિંચાઈ વિભાગના અધિકારીઓ અને એલ એન્ડ ટી કંપનીના અધિકારીઓ હાજર રહ્યા હતા. ચાલુ વર્ષે શિયાળાની ઋતુ દરમિયાન ત્રણ દિવસ પાણી છોડવામાં આવતું હતું પરંતુ હાલ ઉનાળો ચાલી રહ્યો હોવાથી ખેડૂતોના ખેતી પાકોમાં સિંચાઈના પાણીની વધુ જરૂરિયાત હોવાથી ત્રણ દિવસના બદલે વધુ દિવસો પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તેમજ સિચાઇના અન્ય પ્રશ્નો અંગે ખેડૂતો સરપંચો સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ સમયે વરસાદ લંબાઈ તો ખેડૂતોને ફરી એકવાર પાણી આપવાની ખાતરી આપવામાં આવી હતી સાથે બિરસા મુંડા પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન થયું. ધારાસભ્ય ગણપતભાઈ વસાવા એ બિરસા મુંડાજી એ દેશની આઝાદી માટે આપેલા યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય દિનેશભાઈ સુરતી, તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીત, ઉપપ્રમુખ તૃપ્તિબેન મૈસુરીયા, ડો. યુવરાજસિંહ સોનારીયા, તાલુકા ભાજપ પ્રમુખ મુકુંદભાઈ પટેલ, જગદીશભાઈ ગામીત, કિસાન મોરચાના ઉપપ્રમુખ ઈદ્રીશ મલેક સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ
વાંકલમાં સિંચાઈ યોજના પ્રશ્નો અંતર્ગત ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઇ.
Advertisement