માંગરોળ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને પીવાના પાણીની યોજનાના બાકી કામો અને આરોગ્ય વિભાગના સબ સેન્ટરોના નિર્માણ ની કામગીરી અંગે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારો ઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી.
માંગરોળ તાલુકામાં બોરસદ દેગડીયા જૂથ પાણી પુરવઠા યોજના નું 52 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થઈ રહ્યું છે સાથે કોસંબા મહુવેજ વિસ્તારના ગામોની જૂથ પાણી પુરવઠા યોજના નલ સે જલ યોજના વગેરેની કામગીરી ચાલી રહી છે ઝંખવાવ, અમરકુઈ ગામે પાણી ની અંડર ગ્રાઉન્ડ ટાંકીઓનું કામ બાકી છે જેની જગ્યાની ફાળવણી બાબતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ જ પ્રમાણે તાલુકાના વિવિધ ગામોમાં પાણી યોજનાના કામોની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ બેઠકમાં ઉપસ્થિત રહેલા તાલુકા આરોગ્ય અધિકારી સમીર ચૌધરી દ્વારા તાલુકામાં 10 જેટલા આરોગ્ય વિભાગના સબ સેન્ટરોની જગ્યા ફાળવણી માટે તાલુકા આરોગ્ય અધિકારી ડો. સમીર ચૌધરી પાલોદ, વેલાછા, વસ્તાન, નાની નારોલી, માંગરોળ, મોટા બોરસરા વગેરે ગામોમાં જમીન ફાળવણીના લીધે કામ શરૂ કરાયા નહીં હોવાનું જણાવ્યું હતું જેથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ સાથે વહેલી તકે આ કામો પૂર્ણ થાય એ મુજબનું આયોજન કરવા ધારાસભ્ય દ્વારા સુચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં ઉપસ્થિત રહેલા માંગરોળના મામલતદાર પાર્થ જયસ્વાલ અને તાલુકા વિકાસ અધિકારી ભુપેન્દ્રસિંહ સિસોદિયાને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જે તે વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરી કામ પૂર્ણ કરાવવાની વિશેષ જવાબદારીઓ ધારાસભ્ય ગણપતભાઈ વસાવા દ્વારા સોંપવામાં આવી હતી તેમજ બેઠકમાં ઉપસ્થિત રહેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ નાની નરોલી બેઠકના જિલ્લા પંચાયત સદસ્ય અફઝલ ખાન પઠાણ, ઝંખવાવ જિલ્લા પંચાયત બેઠકના ચૂંટાયેલા પ્રતિનિધિ દિનેશભાઈ સુરતી, તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીત, ઉપપ્રમુખ તૃપ્તિબેન મૈસુરીયા, કારોબારી અધ્યક્ષ મહાવીરસિંહ પરમાર, પંચાયતના સભ્યો અને ભાજપ સંગઠનના આગેવાનો જિલ્લા ભાજપ મહામંત્રી દીપકભાઈ વસાવા, માંગરોળ તાલુકા ભાજપ પ્રમુખ મુકુંદભાઈ પટેલ સહિત અનેક સંગઠનના આગેવાનો સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.
વિનોદ મૈસૂરિયા : વાંકલ