માંગરોળ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદે તૃપ્તિબેન મૈસુરીયા બિનહરીફ વરણી કરવામાં આવતા સ્થાનિક આગેવાનો અને ભાજપ કાર્યકરોએ નવા વરાયેલા ઉપપ્રમુખનું સ્વાગત સન્માન કરી અભિનંદન આપ્યા હતા. માંગરોળ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદેથી ભરત પટેલને રાજીનામું આપતા ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેથી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદ માટે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ તેમજ સુરત જિલ્લા ભાજપના પ્રમુખ ભરતભાઈ રાઠોડ એ સ્થાનિક ધારાસભ્ય ગણપતભાઈ વસાવા સહિતના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી ઉપપ્રમુખ પદ માટે તૃપ્તિબેન મૈસુરીયાનો મેન્ડેડ આપ્યો હતો જે મેન્ડેડ જિલ્લા ભાજપના મહામંત્રી દીપકભાઈ વસાવા એ ચૂંટાયેલા સભ્યો સમક્ષ રજૂ કર્યો હતો.
ત્યારબાદ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીતનાં અધ્યક્ષ સ્થાને ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાતા સર્વાનુમતે આંબાવાડી તાલુકા પંચાયત બેઠક ઉપરથી ચૂંટાયેલા તૃપ્તિબેન મૈસૂરિયાને માંગરોળ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદે બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા. તાલુકા પંચાયત સભાખંડમાં તાલુકા વિકાસ અધિકારી બી ડી સિસોદિયા તેમજ ભાવિકભાઈ બલર વગેરે અધિકારીઓ દ્વારા સ્વાગત સન્માન કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી સાથે તાલુકા પંચાયત માં ભાજપના ચૂંટાયેલા સભ્યો તેમજ કોંગ્રેસના સભ્યો અને કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા મોહનભાઈ કટારીયા વગેરે એ શુભકામનાઓ પાઠવી હતી. બીજી તરફ આંબાવાડી તાલુકા પંચાયત બેઠકના પ્રતિનિધિને ઉપપ્રમુખ પદ મળતા આંબાવાડી ગામના સરપંચ નરેશભાઈ ચૌધરી અને આગેવાનો વેરાકુઈ ગામના સરપંચ મીનાબેન ગામીત અને આગેવાનો કંસાલી ગામના સરપંચ હરેન્દ્રભાઇ ગામીત, વાંકલના ગ્રામજનો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નવા વરાયેલા ઉપપ્રમુખ તૃપ્તિબેન મૈસૂરિયા એ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ, જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ પટેલ અને ધારાસભ્ય ગણપતભાઈ વસાવા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી ઉપપ્રમુખ તરીકેની જવાબદારી નિષ્ઠા અને પ્રમાણિકતાથી નિભાવવાની ખાતરી આપી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ