માંગરોળ તાલુકાના વસરાવી ગામે ખેતરમાંથી ઈલેક્ટ્રીક મોટર, જનરેટર અને લોખંડના સળિયાની ચોરી કરનારા પાંચ આરોપીને રૂપિયા 4 લાખથી વધુના મુદ્દામાલ સાથે માંગરોળ પોલીસે ઝડપી લીધા હતા.
માંગરોળ ગામના રોહિતવાસમાં રહેતા મનીષભાઈ ચૌહાણે વસરાવી ગામની સીમમાં ખેતીની જમીન લીધી હતી. જેથી તેઓ ખેતરમાં કંમ્પાઉન્ડ વોલ બનાવી રહ્યા હતા ત્યારે રાત્રિ દરમિયાન લોખંડના સળિયાની ચોરી થતા તેમણે માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી તેમજ અન્ય એક ખેડૂત હાર્દિકભાઈ જીવરાજભાઈ કાકડીયાની માલિકીના ખેતરમાં બનાવેલ રૂમમાંથી હોન્ડા કંપનીનું જનરેટરની ચોરી થતા તેમણે માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ વસરાવી ગામે ખેતીની જમીન ધરાવતા અન્ય એક ખેડૂતના ખેતરમાંથી ₹35,000 ના લોખંડના સળિયાની ચોરી થઈ હતી. ઉપરોક્ત ચોરીના બનાવો વધતા જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસર અને નાયબ પોલીસ અધિક્ષક બી.કે વનાર દ્વારા આરોપીઓને ઝડપી પાડવાની સૂચના માંગરોળના પો.સ.ઈ એચ.આર.પઢીયારને આપવામાં આવી હતી. જેથી તેમણે આ દિશામાં ટીમ બનાવી કાર્યવાહી શરૂ કરતાં હે.કો. પ્રદીપભાઈ જશવંતભાઈને બાતમી મળી હતી કે વસરાવી ગામની સીમમાં ચોરી કરનારા પાંચ ઇસમો એક ક્રીમ કલરના ટેમ્પામાં ચોરીનો સામાન ભરી મોસાલી ચોકડી તરફ રાત્રિના સમયે આવનાર છે. આ બાતમીને આધારે હે.કો. સેમ્યુલભાઈ કાળીદાસભાઈ, આનંદભાઈ પ્રેમાભાઈ, મિતેશભાઈ છાંકાભાઈ, નયનભાઈ ધીરજભાઈ, સુહાગભાઈ શ્રીપદભાઈ, પ્રતીકકુમાર મનોજભાઈ સહિતના પોલીસ કર્મચારીઓ મોસાલી ચાર રસ્તા ખાતે ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે બાતમી અનુસાર એક ટેમ્પો આવતા તેને અટકાવી તપાસ કરતા લોખંડના સળિયા સબમર્સીબલ મોટર હોન્ડા જનરેટર અને ટેમ્પો મળી કુલ ચાર લાખનો મુદ્દામાલ સાથે પોલીસે પાંચ જેટલા આરોપીને ઝડપી લીધા હતા. તેઓના નામ પૂછતા પુનીચંદ બાબુ વસાવા, દિનેશ પીળીયા ભાઈ વસાવા, નિતેશ કાંતિભાઈ વસાવા, દિલીપ કાનજી વસાવા, રોહિત કાળીદાસ વસાવા તમામ રહે.વસરાવી ગામ. તાલુકો માંગરોળના હોવાનું જણાવ્યું હતું. આ ઇસમો છેલ્લા કેટલાક સમયથી ખેતરોમાંથી ચોરી કરી રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ