માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામે સ્ટોન ક્વોરીઓમાં સરકારના નીતિ નિયમો વિરુદ્ધ આડેધડ વેગન ડ્રીલ બ્લાસ્ટ કરાતા ગામના અનેક ઘરોની દીવાલોમાં તીરાડો પડવાના બનાવ બનવાની સાથે અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થતા આ મુદ્દે જિલ્લા કલેકટરને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
વેરાકુઈ ગામે ચાલતી સ્ટોનક્વોરીઓ માં સરકારના અનેક પ્રકારના નીતિ નિયમોનો ભંગ થઈ રહ્યો છે છતાં ગ્રામજનો મુશ્કેલી વેઠી રહ્યા છે.પરંતુ જ્યારે નીતિનિયમોની હદ વટાવીને 70 થી 100 ફૂટ ઊંડા વેગન ડ્રીલ બ્લાસ્ટ કરવામાં આવતા લોકોને ધરતીકંપ થયાનો અહેસાસ થઈ રહ્યો છે. ગામમાં ઠેર ઠેર ઘરોની દિવાલોમાં તિરાડો પડવાના બનાવો હાલ વધી રહ્યા છે સાથે પ્રાથમિક શાળાની કંમ્પાઉન્ડ સહિત નાની મોટી અનેક ઇમારતોમાં તિરાડો પડવાના સંખ્યાબંધ બનાવો સામે આવ્યા છે. જેથી ગ્રામજનોમાં હાલ સ્ટોન ક્વોરીઓ વિરુદ્ધ તીવ્ર આક્રોશ લોકોમાં જોવા મળી રહ્યો છે. આ મુદ્દે સ્થાનિક આગેવાન શાહબુદ્દીનભાઈ મલેક દ્વારા સુરત જિલ્લા કલેકટર, ખાણ ખનીજ વિભાગ ભૂસ્તરશાસ્ત્રી સહિત સરકારના લાગતા વળગતા વિભાગોમાં લેખિત ફરિયાદો કરવામાં આવી છે અને હવે પછી સરકારના જવાબદાર અધિકારીઓ દ્વારા સ્ટોન ક્વોરીના સંચાલકો વિરુદ્ધ યોગ્ય પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.
વેરાકુઈ ગામની આદિવાસી મહિલાએ તીવ્ર આક્રોશ સાથે જણાવ્યું કે અમારું ઘર બે નંબરના રૂપિયાથી નથી બન્યું અમે ગરીબ માણસો કાળી મજૂરી કરીને જીવનમાં એકવાર પાકું ઘર બનાવીએ છે, લોહી પરસેવો એક કરીને બનાવેલા ઘરમાં સ્ટોન કોરીઓમાં કરવામાં આવતા બ્લાસ્ટને કારણે મારા ઘરની દિવાલોમાં તિરાડ પડી છે આ બાબતે મે અમારા ગામના સરપંચને પણ ફરિયાદ કરી આ સ્ટોન ક્વોરીમાં થતા બ્લાસ્ટ બંધ કરાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ