માંગરોળ તાલુકાના મોસાલી ચાર રસ્તા પર અનાજ કરિયાણાની દુકાનમાં ચોરીનો એક બનાવ બન્યો છે જ્યારે વસરાવી ગામની સીમમાં અલગ અલગ બે જગ્યાએ ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાય છે. મોસાલી ચાર રસ્તા ખાતે આવેલ રોયલ શોપિંગ સેન્ટરમાં મહાદેવ કરિયાણા સ્ટોર નામની દુકાન આવેલી છે. આ દુકાનમાં ચોર ઇસમ રાત્રી દરમિયાન દુકાનનું પતરું તોડી અંદર પ્રવેશ્યો હતો અને દુકાનના ગલ્લામાંથી પરચુરણ તેમજ રોકડા રૂપિયા 25000 તેમજ વિમલ ગુટખા સિગરેટના પેકેટ રૂ.10,000 મળી કુલ ૩૫ હજાર ની મતા ચોરી કરી હતી. આ ચોરીની ઘટના દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
દુકાનદાર હેમરાજ કુમાવત અને માંગરોળ મોસાલી વેપારી મંડળના પ્રમુખ અસલમભાઈ માંજરા એ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ અરજી આપી હતી.
જ્યારે વસરાવી ગામે હાર્દિકભાઈ જીવરાજભાઈ કાકડીયાના ખેતરમાં રૂમ બનાવવાનું કામ ચાલી રહ્યું છે ત્યાંથી હોન્ડા કંપનીનું જનરેટર મશીન ચોરી ઇસમો ચોરી કરી ગયા હતા. ખેતરના રખેવાળ ઘનશ્યામભાઈ મોહનભાઈ પટેલે માંગરોળ પોલીસ મથકમાં રૂપિયા 28 હજારના હોન્ડા કંપનીના જનરેટર મશીનની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. વસરાવી ગામની સીમમાં અયુબ મહમદ નુરગત પાસેથી મનીષભાઈ ડાયાભાઈ ચૌહાણ જેવો માંગરોળ ગામના રોહિત વાસમાં રહે છે તેમણે ખેતીની જમીન વેચાણ લીધી હતી અને આ જમીનમાં કંમ્પાઉન્ડનું કામ ચાલુ કર્યું હતું. આ દરમિયાન ગતરાત્રિના લોખંડના સળિયાની ભારી નંગ બે વજન 175 કિલોની ચોરી થઈ હતી જેની કિંમત રૂપિયા 14000 થાય છે. આ ગુના સંદર્ભમાં તેમણે માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ