માંગરોળ ગામે જૈનોના અંતિમ તીર્થંકર મહાવીર સ્વામી ભગવાનના 2621 મા વર્ષના જન્મ દિવસ શોભાયાત્રા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ભારત સહિત વિશ્વમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે માંગરોળ જૈન સંઘમાં ભગવાન મહાવીરનો જન્મ દિવસ વિશાલભાઈ શાહની આગેવાનીમાં સમગ્ર જૈન સંઘ દ્વારા ખૂબ જ આનંદ ઉલ્લાસ અને ભક્તિભાવ સાથે ભગવાન મહાવીર સ્વામીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સવારે ભવ્યાતિભવ્ય ભગવાનની શોભા યાત્રા મોસાલી વાસુ પૂજ્ય સ્વામી દાદાના દેરાસરથી માંગરોળ ગામના અતિ પ્રાચીન 100 વર્ષ જુના શાંતિનાથ દાદાના દેરાસર સુધી ફેરવવામાં આવી હતી. ત્યારબાદ દેરાસરમાં ભગવાનના જન્મ નિમિત્તે સ્નાન પૂજા અને ભગવાનનું પારણું ઝુલાવવામાં આવ્યું હતું અને પધારનાર દરેક ભાવિકો માટે સ્વામી વાત્સલ્ય સંઘ જમણનું આયોજન કરેલ હતું. દેરાસરને ભવ્ય આંગીથી શણગારી રંગોળી પૂરવામાં આવી હતી. શોભાયાત્રા દરમ્યાન મોસાલીના શ્યામભાઈ શાહ અને જયેશ શ્યામભાઈ શાહ દ્વારા અબોલ પક્ષી માટે સમગ્ર ગામમાં પાણીના કુંડ વિતરણ કરવામાં આવ્યા હતા. વિશાલભાઈ શાહે જણાવ્યું હતું કે મહાવીર જયંતિ ઉજવવા પાછળનું મહત્વનું કારણ એ છે કે જીવો અને જીવવા દો તેમજ અહિંસા પરમો ધર્મ આ 2 મુખ્ય ભગવાન મહાવીરના સંદેશા અમે ઘર ઘર સુધી પહોંચાડવા માંગીએ છીએ.
વિનોદ મૈસુરિયા : વાંકલ