માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાયમ પંથ જ્ઞાન સંપ્રદાયના આધ્ય સ્થાપક પરમગુરુ શ્રીમંત કરુણાસાગર ભગવાનના પ્રાકૃત ભાષામાં લખાયેલ હસ્તલિખિત ગ્રંથોનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરનાર પરમહંસ સુખાનંદજી મહારાજના 75 માં નિર્માણ દિન નિમિત્તે શોભાયાત્રા સત્સંગ સહિતના યોજાયેલા કાર્યક્રમમાં જ્ઞાન સંપ્રદાયના હજારો લોકો ઉમટી પડ્યા હતા. જ્ઞાન સંપ્રદાયના મહંત કૃપાલ દાસજી મહારાજ સુરકુવા મહંત નિશ્ચલદાસજી મહારાજ સિસોદ્રા, સંત રમેતી રામજી મહારાજ રણભુન ઘાટી, સંત અજીતદાસજી મહારાજ પોલાજપુર, વગેરે સંતોનું ભવ્ય સામૈયુ કરાયું હતું ત્યારબાદ શોભાયાત્રા વાકલ બજાર થઈ ભગવાન કરુણા સાગર મંદિરે પહોંચી હતી રાત્રે યોજાયેલ સત્સંગ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભક્તો ઊમટી પડ્યા હતા.
સંત રમેતીરામ મહારાજે સત્સંગ કરતા કહ્યું કે સને 1915 માં પરમહંસ સુખાનંદજી મહારાજ દક્ષિણ ગુજરાતમાં આવ્યા હતા તેમણે આદિવાસી સમાજના લોકો ને અંધશ્રદ્ધા કુરિવાજો અને વ્યસનો માંથી મુક્ત કરાવી સમાજને જ્ઞાન સંપ્રદાય સાથે જોડવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. આ વિસ્તારમાં ધાર્મિક આધ્યાત્મિક અને શૈક્ષણ પ્રત્યે જાગૃતિ આવતા સમાજ આર્થિક રીતે પગભર બન્યો પરમહંસ સુખાનંદજી મહારાજનું ખૂબ મોટું યોગદાન આ વિસ્તારમાં રહ્યું છે. આજે જે કંઈ સમાજની પ્રગતિ થઈ છે તે સુખાનંદજી મહારાજને આભારી છે. ઉપસ્થિત રહેલા સંતો મહંતોએ વિરલ વિભૂતિ ને યાદ કરી તેઓના આદર્શ સિદ્ધાંતો અને અધુરા કાર્યોને આગળ ધપાવવા માટે અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં જ્ઞાન સંપ્રદાયનું સમાજમાં કામ કરી રહેલા નવ યુવાનોને નિશ્ચલ દાસજી મહારાજે સત્કાર કરી દીક્ષા આપી હતી. વાંકલના ભગવાન કરુણા સાગર મંદિરે માંગરોળ તાલુકા કાયમ પંથ જ્ઞાન સંપ્રદાય ભક્ત સમાજ માંગરોળ તેમજ માંડવી તાલુકા કેવળ જ્ઞાન પ્રચારક મંડળ મુક્તાદાસજી સેવા સમિતિ નેત્રંગ વાલીયા ઉમરપાડા અને પરમહંસ સુખાનંદ કેવળ જ્ઞાન જ્યોત સંસ્થાન ગુજરાત ના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિનોદ મૈસૂરિયા : વાંકલ