માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે પ્રાણીશાસ્ત્ર વિભાગ, સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલ તથા કામધેનુ યુનિવર્સીટી, નવસારીના સંયુક્ત ઉપક્રમે આર્થિક પ્રાણીશાસ્ત્ર વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેમિનારમાં તજજ્ઞ વક્તા તરીકે કામધેનુ યુનિવર્સીટી, નવસારી ના પ્રાધ્યાપક ડૉ. યોગેશ પઢેરીયા હાજર રહ્યા હતા. તેમણે ભારતમાં તથા ગુજરાતમાં મરઘાં પાલનના વ્યવસાય વિશે માહિતી, મરઘાંની વિવિધ નસલો, મરઘાંપાલન વ્યવસાયમાં માંસ અને ઈંડા માટે કઈ કઈ જાતોનો ઉછેર કરવામાં આવે છે તેની માહિતી, તેની જાળવણી માટે ધ્યાન રાખવા જેવી બાબતો, તેના ખોરાકના સાધનો, પાણીના સાધનો, રસીકરણ અને તેનું આર્થિક મહત્વ જેવા મુદાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. ડૉ. જીગર પટેલ દ્વારા ડેરી ઉદ્યોગ, ગાય, ભેંસ, ઘેટાં, બકરાંની વિવિધ નસલો અને દુધ ઉત્પાદન અને ડેરી ઉદ્યોગનું આર્થિક મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી. કોલેજના આચાર્ય ડૉ. પાર્થિવ ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓને આર્થિક પ્રાણીશાસ્ત્ર વિષય પર રસ કેળવવા અનુરોધ કર્યો હતો તથા કામધેનુ યુનિવર્સીટી, નવસારીના ડીન અને પ્રિન્સિપાલ ડૉ. ખરાડી નો આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રાણીશાસ્ત્ર વિભાગના વડા ડૉ. રાજેશ સેનમા દ્વારા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ વિષયનું સૈદ્ધાંતિક જ્ઞાનની સાથે-સાથે વ્યવસાયિક સજ્જતા પણ કેળવે તેવા ઉમદા હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તથા આર્થિક પ્રાણીશાસ્ત્ર વિષયમાં સમાવેશ થતા અન્ય વિષયો વિશે માહિતી આપવામાં આવી હતી. આર્થિક પ્રાણીશાસ્ત્ર વિષયમાં સમાવેશ થતા વિવિધ વિષયોને વ્યવસાય તરીકે સ્વીકારી અર્થોપાર્જન કરી પોતાનું જીવનનિર્વાહ ચલાવી શકાય અને એક સફળ વ્યક્તિ બની શકાય તેવી આશા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થા ડૉ. પુષ્પા શાહ, શીતલ પટેલ, તમન્ના ચૌધરી, તબસ્સુમ કુરેશી તથા મિતલ વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ભુમિકા વસાવા તથા દિશા ભાટી દ્વારા કરવામાં આવ્યું હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ