ટોક્યો ઓલિમ્પિકમાં ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ જીતનાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા હાલ માલદીવમાં રજાઓ માણી રહ્યો છે.તેણે એક વિડિયો શેર કરીને જણાવ્યું હતું કે તે તેની રમત વિશે કેટલો ગંભીર છે. 23 વર્ષીય દેશનો સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા માલદીવના ફુરેવી રિસોર્ટમાં રોકાયો છે. તેણે અહીં સ્કૂબા ડાઇવ દરમિયાન પાણીની નીચે ભાલો ફેંકવાની નકલ કરી. જેનો વીડિયો તેણે શુક્રવારે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. વ્યસ્ત શેડ્યૂલ અને બીમારીને કારણે નીરજ ચોપરાએ તેની સિઝન વહેલી પૂરી કરી હતી. તે ભારતના ઓલિમ્પિક ઈતિહાસમાં ગોલ્ડ મેડલ જીતનારો માત્ર બીજો ભારતીય છે. તેણે ટોક્યો ઓલિમ્પિક દરમિયાન મેન્સ જેવલિન થ્રો ઈવેન્ટમાં 87.58 મીટર ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો છે.
નીરજ ચોપરા ટોક્યો ઓલિમ્પિકમાંથી સ્વદેશ પરત ફર્યા બાદ વ્યસ્ત હતો. તેની અસર તેના સ્વાસ્થ્ય પર પણ પડી હતી. આ સમય દરમિયાન તેને તાવ પણ આવ્યો હતો. જેવલિન થ્રો સ્ટારે હાલમાં તેની 2021ની સિઝન વહેલી સમાપ્ત કરી દીધી છે. તે ભવિષ્યની ટુર્નામેન્ટો માટે પહેલેથી જ પ્રેક્ટિસ શરૂ કર્યા પછી રજાઓનો આનંદ માણી રહ્યો છે.
વીડિયોના કેપ્શનમાં નીરજે લખ્યું છે કે, આકાશમાં, જમીન પર અથવા પાણીની નીચે હું હંમેશા ભાલા ફેંકવાનું વિચારું છું. તેમણે વધુમાં લખ્યું હતું કે ટ્રેનિંગ શરૂ થઈ ગઈ છે. ગોલ્ડન બોય નીરજ ભલે દુનિયાની સૌથી સુંદર જગ્યાએ રજાઓ માણી રહ્યો હોય પરંતુ તે હંમેશાં તેની રમત વિશે વિચારતો રહે છે કે ભાલા ફેંકવામાં તે કેવી રીતે વધુ સારું પ્રદર્શન કરી શકે.