મહુધા તાલુકાના વડથલ ગામના તલાટી કમ મંત્રી વિવાદોમાં સપડાયા છે. 6 હજારથી વધુ વસ્તી ધરાવતા આ ગામમાં તલાટીને 2 દિવસ વર્કીંગ ડે તરીકે ફાળવ્યા છે. પરંતુ આ 2 દિવસ પણ તલાટી કમ મંત્રી હાજર ન રહેતા હોય તેવી ફરિયાદો ગામના લોકોએ કરી છે. આ સમગ્ર ઘટનામાં મળતી વિગતો અનુસાર વડથલ ગામમાં તલાટી કમ મંત્રી તેમના નિયત સમય પ્રમાણે નિયમોનુસાર હાજર રહેતા ન હોવાની બૂમ ગ્રામજનોમાં ઉઠી છે. તેમની અનિયમિતતાને કારણે ગામના લોકોને જરૂરિયાતના દાખલા કઢાવવામાં તકલીફ પડે છે. લોકોને રેશનકાર્ડ, આધારકાર્ડ, આવકના દાખલા, જાતિના દાખલા સહિત જમીન અને અન્ય બાબતોને લગતા કામકાજ માટે ગ્રામ પંચાયતમાં ખાસ્સો ધસારો રહેતો હોય છે. પરંતુ તલાટીને ગ્રામ પંચાયતમાં 2 જ દિવસ વર્કીંગ ડે આપેલા હોવાથી આ 2 દિવસ મોટા પાયે લોકો પોતાના કામકાજ માટે આવે છે. પરંતુ તેમાંય દુકાળમાં જાણે અધિકમાસ હોય તેમ આ 2 દિવસ પણ તલાટી સમયે હાજર રહેતા નથી અને સાથોસાથ પોતાની મનમરજી મુજબ કામકાજ કરતા હોવાની રાવ ગામજનોમાં ચાલી રહી છે. તલાટીની અનિયમિતતાને કારણે ગામના વિકાસ કાર્યોમાં પણ માઠી અસર થાય છે તેમજ ગામના સરપંચના મતે અનિયમિતતાને કારણે પંચાયતમાં રેવન્યુ પણ ઓછી થઈ ગઈ છે. જે ગામનો વિકાસ રૂધંવામાં મહત્વનું પરિબળ હોવાનું અરજીમાં જણાવ્યુ છે.
તલાટી કમ મંત્રીને ગામમાં તરીકે સોમવાર અને શુક્રવાર ફાળવેલા છે. ગામની વસ્તી અંદાજે 6 હજારથી વધુ છે. બે જ દિવસ ફાળવ્યા હોવાથી ગ્રામજનોને પોતાના કામ માટે ધક્કા ખાવાની ફરજ પડે છે. છતાં તેમના કામ પૂરા થતા નથી. તલાટી પોતે સમયે હાજર રહેતા નથી સાથોસાથ કોઈનો ફોન ઉપાડવાની પણ તસ્દી ન લેતા હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. આ અંગે અગાઉ મહુધા તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ ટીડીઓ દ્વારા પણ કોઈ પણ જાતની કાર્યવાહી થઈ નહોતી. હાલ પણ તલાટીની અનિયમિતતા ચાલી રહી હોય તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.
હાર્દિક દેવકિયા