વિજયસિંહ સોલંકી,લુણાવાડા
મહીસાગર જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાનની ઉજવણી અંતર્ગત જિલ્લામાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી ૨૪મી એપ્રિલ-૧૮ના રોજ વિરપુર તાલુકાના ઝવરાખાંટના મુવાડા ખાતે કરવામાં આવી હતી આ ઉજવણી પ્રસંગે વિશાળ સંખ્યામાં ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનું ઉદબોધન લાઇવ ટેલીકાસ્ટથી નિહાળ્યું હતું.
ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ઝવરાખાંટના મુવાડા ગામની પસંદગી કરવામાં આવી છે. ઝવરાખાંટના મુવાડા સહિત જિલ્લાની ૩૫૦ ગ્રામ પંચાયતોમાં ખાસ ગ્રામ સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગ્રામ સભાઓમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), પ્રધાનમંત્રીશ્રી સામાજિક સુરક્ષા યોજનાઓ, પ્રધાનમંત્રી જનધન યોજના, સૌભાગ્ય યોજના, મેઘધનુષ યોજના, ઉજ્જવલા યોજના સહિત રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ગ્રામજનોને જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.એન. પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે ગ્રામસભામાં ગામના દરેક નાગરિકો જોડાઇ અને ગામના વિકાસ માટે જરૂરી ચર્ચા વિચારણા કરી ગામના વિકાસને આગળ વધારવા અપીલ કરી હતી. પંચાયતી રાજ વ્યવસ્થાને પરિણામે ગામડાઓનો સર્વાંગી વિકાસ થયો છે. ગ્રામસભાએ ગામની સંસદ છે. ગ્રામસભામાં ગામડાના ભાવિ વિકાસ અંગેના એજન્ડા નક્કી થવા સાથે કેન્દ્ર/રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે અસરકારક આયોજન ગ્રામસભાના માધ્યમથી થાય છે.
આ ગ્રામસભાના માધ્યમથી લોકોને ગામ વિકાસમાં મહિલાઓની ભાગીદારી, સ્વચ્છ સલામત પીવાના પાણીનો ઉપયોગ, સ્વચ્છતા, પાણી બચાવો, પર્યાવરણ બચાવો, રસીકરણ, પોષણક્ષમ આહાર જેવા વિષયોની ચર્ચા વિચારણા સાથે આગામી પાંચ વર્ષનો ગ્રામ પંચાયતનો વિકાસ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.