ગુજરાતમાં અકસ્માતોની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં લગ્ન પ્રસંગમાં વિઘ્ન આવ્યું છે. ગઈકાલે નીકળેલા લગ્નના વરઘોડામાં નાચતા મહેમાનોને પુર ઝડપે આવતી સ્વીફ્ટ કારે અડફેટે લેતાં 25 લોકો ઈજાગ્રસ્ત થયાં છે. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
હાલ ચાલી રહેલી લગ્નસરાની સિઝનમાં ઠેર ઠેર લગ્નો યોજાઈ રહ્યાં છે. ત્યારે ગઈકાલે બાલાસિનોરમાં દેવી પૂજક પરિવારમાં લગ્ન પ્રસંગ નિમિત્તે વરઘોડો નીકળ્યો હતો. જેમાં મહેમાનો નાચી રહ્યાં હતાં. આ દરમિયાન અચાનક પુરઝડપે આવતી કારે મહેમાનોને અડફેટે લેતાં આખા રસ્તે ચીચીયારીઓ શરૂ થઈ ગઈ હતી. કારની અડફેટથી 25 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.આ અંગેની જાણ થતાં બાલાસિનોર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સમાં શહેરની કે.એમ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.