મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતેની સિવિલ હોસ્પિટલમાં અપૂરતા સ્ટાફના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બહુચરાજી સિવિલ હોસ્પિટલમાં 4 ડોક્ટરોના મહેકમ સામે માત્ર 1 જ ડોક્ટર હોવાથી દર્દીઓને મુશ્કેલનો સમાનો કરવો પડી રહ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ, બહુચરાજી ખાતે સિવિલ હોસ્પિટલમાં નજીકના લગભગ 20 ગામોમાંથી દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં 4 ડોક્ટરોના મહેકમ સામે 1 જ ડોક્ટર હોવાથી દર્દીઓને સારવાર માટે વધુ સમય રાહ જોવી પડે છે. ત્યારે લેબ ટેક્નિશિયન સહિત સ્ટાફ અપૂરતો હોવાથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
માહિતી મુજબ, બહુચરાજી સિવિલમાં રોજના લગભગ 300 જેટલા દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. પરંતુ 1 જ ડોક્ટર હોવાથી દર્દીઓને કલાકો સુધી લાંબી લાઈનમાં રાહ જોવી પડે છે. આ કારણે કેટલાક દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જઈ સારવાર લેવાની ફરજ પડે છે, જેના કારણે તેમનો સારવારનો ખર્ચ વધી જાય છે. સિવિલમાં ડોક્ટર અને સ્ટાફની અછતના કારણે ગરીબ દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.