ગુજરાત રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ એક ગંભીર સમસ્યા બની છે. હાઈકોર્ટે પણ આ અંગે સરકારની ઝાટકણી કાઢી અનેક વખત ટકોર કરી છે. પરંતુ, તેમ છતાં રખડતા ઢોરની સમસ્યાનો ચોક્કસ ઉકેલ સરકારને મળતો નથી. જો કે, સરકાર દ્વારા આ અંગે નવી નીતિ પણ બનાવવામાં આવી છે, જેમાં પશુ માલિકોએ પોતાના પશુનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરાયું છે. છતાં હાલ પણ રખડતા ઢોરની સમસ્યા યથાવત છે.
આ વચ્ચે મહેસાણાથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં રખડતા પશુએ એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ગાય યુવક પાછળ દોડે છે અને તેણે પગ નીચે કચડી નાખે છે. વીડિયોમાં યુવક પોતાનો જીવ બચાવવા માટે દોડે છે પરંતુ, ગાય તેનો પીછો છોડતી નથી. ખુલ્લા મેદાનમાં અચાનક યુવક પડી જતા ગાય તેની પાસે આવે છે અને પછી શિંગડા અને પગથી યુવક પર હુમલો કરે છે.
આ ઘટનાને જોઈ આસપાસના કેટલાક લોકો ગાયને દૂર કરવાની કોશિશ કરે છે. પરંતુ, ગાય યુવક પર હુમલા કરવાનું ચાલુ રાખે છે. દરમિયાન તક જોઈને યુવક એક ઊભો થઈને દોડીને પસાર થતી એક રિક્ષામાં બેસી જાય છે. જોકે, તેમ છતા ગાય યુવકનો પીછો કરવાનું મૂકતી નથી અને રિક્ષા પર હુમલો કરે છે. રિક્ષાચાલક મુશ્કેલથી રિક્ષાને ગાયથી દૂર લઈ જાય છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયર થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સરકાર માટે પણ રખડતા ઢોરની સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે.