નકલી માર્કશીટ બનાવતા 2 આરોપીઓની ધરપકડ બેચરાજીમાંથી કરવામાં આવી છે. બેચરાજીમાં આવેલી મારુતી સૂઝુકી અને એક્ટિવા હોન્ડા જેવી કંપનીઓમાં નોકરીઓ માટે માત્ર રૂ. 1500 માં ઉભા ઉભા પાંચ મિનિટમાં માર્કશીટ બનાવી આપતા હતા.
મહેસાણા જિલ્લાના બેચરાજીમાં ડુપ્લીકેટ માર્કશીટનું રેકેટ ઝડપાયું છે. બેચરાજીમાં ઝેરોક્ષની દુકાન ચલાવી તેમાં નકલી માર્કશીટ બે શખ્સ બનાવતા હતા. લોકોને નોકરીની જરુરિયાત માટે ધોરણ 10, ધોરણ 12 સહીતની માર્કશીટ જરુર પડતા માર્કશીટ બનતી હતી. આદિત્ય કોમ્પલેક્સમાં અંબિકા ઝેરોક્ષમાં આ નકલી માર્કશીટ બનાવવાનું કાવતરું બે શખ્સ કરતા હતા. જેઓ તૈયાર ફરમા રાખીને નામ બદલીને નકલી માર્કશીટ બનાવી દેતા હતા.
સૂત્રો તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર ખાસ કરીને મારુતી સૂઝીકી હાંસલપુર હોન્ડાના વિઠ્ઠલાપુર પ્લાન્ટમાં નોકરીઓ મેળવવા માટે ઉપયોગ થતો હતો. નકલી માર્કશીટ, લિવિંગ શર્ટી, પ્રિન્ટર સહીતનો મુદ્દામાલ ઝડપી બેચરાજી પોલીસે તપાસ હાથ ધરી છે.
મહેસાણાના બેચરાજીમાં માત્ર 1500 રુપિયામાં જ નકલી માર્કશીટનો ઉપયોગ નોકરીઓ મેળવવા થતો હતો. ઝેરોક્ષની દુકાનમાંથી 2 શખ્સ ધોરણ 10, ધોરણ 12 અને ડીપ્લોમાની માર્કશીટ માત્ર 5 મિનિટમાં વર્ષ બદલીને ફરમા પ્રમાણે આપી દેતા હતા. સમગ્ર મુદ્દામાલમાં નકલી માર્કશીટ સાથે 2ની ધરપકડ કરાઈ છે. અત્યાર સુધી કેટલા એવા શખ્સોએ નકલી માર્કશીટ થકી નોકરી મેળવી છે તે પણ તપાસનો વિષય બન્યો છે.