ખેડા જિલ્લાની મહેમદાવાદ પાલિકાએ એક વર્ષ ઉપરાંતથી એમજીવિસીએલ નું વીજ બિલ નહી ભરતા વીજ કંપનીએ નગરપાલિકા બિલ્ડીંગ અને શહેરની સ્ટ્રીટ લાઈટોના વીજ કનેક્શન કાપી નાંખ્યા હતા. એમજીવિસીએલ દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં પાલિકા દ્વારા વીજબીલ નહીં ભરતા બુધવાર રાત્રે
નગરપાલિકા કચેરી અને સ્ટ્રીટ લાઈટોના કનેક્શન કાપી નાખ્યા હતા. જેના કારણે સાંજ બાદ અંધારપટ્ટ છવાયો હતો.
મહેમદાવાદ નગરપાલિકા પાલિકા લાઈટ બીલ ભરવામાં અનિયમિત હતી. જેના કારણે નગરપાલિકા કચેરી, પાણીના બોર અને સ્ટ્રીટ લાઈટો મળી એમજીવિસીએલ નું કુલ રૂ.૩.૪૮ કરોડ બિલ બાકી હતું. થોડા સમય અગાઉ સ્ટ્રીટ લાઈટનું અંદાજીત રૂ.૮ લાખ જેટલું બીલ પાલિકા દ્વારા ભરવામાં આવ્યું હતુ. પરંતુ શહેરમાં આવેલ પાણીના બોર સહિત ૨૯ મિલકતોનું રૂ.૩.૪૮ કરોડ લાઇટ બિલ બાકી હતું. જોકે પાણીના બોર આવશ્યક સેવામાં
આવતા હોઈ એમજીવિસીએલ દ્વારા બોરના બદલે સ્ટ્રીટ લાઈટોના કનેક્શન કાપી નાંખ્યા હતા. જે બાદ હવે પાલિકા દ્વારા બાકી ટેક્સ ઉઘરાવવા માટે ડોર ટુ ડોર ઉઘરાણી શરૂ કરી હતી. જે લોકોના ટેક્સ બાકી હતા, તે લોકોના પાણી કનેક્શનો કાપી કડકાઈથી ટેક્સ ઉઘરાવવા પાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ