દેશના અનેક ભાગોમાં શ્રાવણ મહિનો શરૂ થયો છે. એ રીતે શ્રાવણના પહેલા સોમવારે એટલે કે ગઈ કાલે ઉજ્જૈન મહાકાલ મંદિરમાં મોટી દુર્ઘટના ટળી. શ્રાવણના પહેલા સોમવારે ઉજ્જૈનમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મહાકાલના મંદિરમાં પણ દર્શન માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા. પરંતુ જેવા મંદિરના કપાટ ખુલ્યા મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે ભાગદોડ મચી ગઈ હતી. રાહતની વાત એ રહી કે આ ભાગદોડમાં કોઈ દુર્ઘટના સર્જાઈ નહી કે જાનહાનિ થઈ નહી. જો કે આ ભાગદોડમાં કેટલાક બાળકો અને મહિલાઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે.
મહાકાલના મંદિરમાં મચેલી આ ભાગદોડનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ઉમટી પડેલી ભીડ મંદિરમાં પ્રવેશ માટે ધક્કામૂક્કી કરી રહી છે. એક છોકરીને સુરક્ષા ગાર્ડ અને જવાન ભીડથી બચાવતા પણ જોવા મળી રહ્યા છે.
આ સમગ્ર ઘટના અંગે ઉજ્જૈનના જિલ્લાધિકારી આશીષ સિંહે કહ્યું કે ગત સોમવારે ઘટેલી ઘટના અપવાદ હતી. અમે આગામી સોમવારે આ માટે યોજના બનાવીશું અને લોકો પાસે શારીરિક અંતરનું પાલન કરાવવામાં આવશે.
મળતી માહિતા મુજબ સવારે 6થી 11 વાગ્યા સુધીનો સમય મહાકાલના દર્શન માટે નક્કી કરાયો છે. સોમવારે ગેટ નંબર ચારથી સવારે લગભગ 5 વાગ્યાથી જ હજારો ભક્તો મંદિરમાં ભેગા થવા લાગ્યા અને સવારે 6 વાગતા તો જેવો મંદિરનો પ્રવેશદ્વાર ખોલવામાં આવ્યો કે લોકોની ભીડ એકસાથે મંદિરમાં પ્રવેશ માટે ઉમટવા લાગી. ભીડની ધક્કામુક્કીના કારણે મંદિરમાં ભાગદોડ મચી. આ ભાગદોડમાં અનેક પુરુષો, મહિલાઓ, બાળકો પોતાને સંભાળી શક્યા નહીં અને મંદિરમાં આમ તેમ પડ્યા.
મહાદેવના દર્શન માટે મંદિર તરફથી કરાયેલી વ્યવસ્થાને ધ્વસ્ત થતા જોઈને મંદિરમાં તૈનાત જવાનો તથા સુરક્ષા ગાર્ડ્સે તરત ભીડ પર કાબૂ મેળવવા માટે કડકાઈ વર્તી અને ભારે જદ્દોજહેમત બાદ સ્થિતિને કાબૂમાં લેવાઈ.