મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લામાં આજે સવારે લગભગ 4:00 વાગ્યે મક્સી અને કાયથા વચ્ચે પેસેન્જર બસ અને ટ્રોલી વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. આ માર્ગ અકસ્માતમાં 4 લોકોના મોત થઈ ગયા છે અને 15 લોકો ઘાયલ થયા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલ શાજાપુર મોકલવામાં આવ્યા છે. બીજી તરફ આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર માટે ઉજ્જૈન રીફર કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ તરફ જઈ રહેલી પેસેન્જર બસ ટ્રોલી સાથે અથડાઈ હતી. સ્લીપર કોચ બસમાં સૂઈ રહેલા ત્રણ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. જે મૃતકોમાં જેમાં બે મહિલા અને એક પુરુષ સામેલ છે. અકસ્માતની માહિતી મળતા જ મક્સી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને સારવાર માટે ઉજ્જૈન મોકલવામાં આવ્યા હતા. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જોકે, પોલીસે હજુ સુધી અકસ્માતના કારણની માહિતી નથી આપી.
મધ્યપ્રદેશમાં માર્ગ અકસ્માતો સતત વધી રહ્યા છે. પેસેન્જર બસો તેમની ક્ષમતા કરતા વધુ મુસાફરોને લઈ જઈ રહી છે. આવી સ્થિતિમાં અકસ્માત થવાની સંભાવના રહે છે. થોડા દિવસો પહેલા ખરગોનમાં પણ એક માર્ગ અકસ્માત સર્જાયો હતો.