ગુજરાતની ભાજપા સરકારે એક વર્ષ પહેલા વિધાનસભા બજેટ સત્રમાં પત્રકાર અને તેના પરિવારને ફ્રી મેડીકલ સારવાર માટેના ‘મા-અમૃતમ’ કાર્ડ આપવાની જાહેરાત કરી હતી. તે સાથે કર્મચારી ધોરણેની હોસ્પિટલોમાં સારવાર લઇ શકશે તેમ જણાવ્યું હતું અને પરિપત્ર સાથે હોસ્પિટલોનું લીસ્ટ જાહેર કર્યું હતું. ત્યારબાદ બબ્બે વાર ફોર્મ ભરાવ્યા છતાં પત્રકારોને ધક્કા ખવડાવવા સિવાય કશું જ ના કર્યું. પણ વિધાનસભામાં વિપક્ષ આ બાબતે બઘડાટી ના બોલાવે તેવા ડરથી અને જી.એન.એસ. દ્વારા પ્રસિદ્ધ કરેલ સમાચારથી ચેતી જઈને જે-તે જિલ્લા મથકની માહિતી ખાતાની કચેરીઓએ પત્રકાર અને તેના પરિવાર જનોને બોલાવી પુનઃ એકવાર ફોટા, ઝેરોક્ષો સાથે ફોર્મ ભરાવી મા-અમૃત કાર્ડ કાઢવાનું શરું કર્યું પણ તેમાં પણ ફક્ત બે દિવસનો જ સમય આપવામાં આવ્યો. જે ને કારણે જીલ્લા મથકના શહેર સિવાયના તાલુકાઓમાં રહેતા અનેક પત્રકારો પોતાના પરિવારને લઇને પહોંચી શક્યા નથી અને હવે ફરી ક્યારે આ પ્રકારનો કેમ્પ કરી પત્રકારોના કાર્ડ કાઢીઆપવાની પ્રક્રિયા કરાશે તેની કોઇ સત્તાવાર જાહેરાત કે સુચના પણ નથી તો શું આ બાકી રહીગયેલા પત્રકારો મા-અમૃતમ કાર્ડથી વંચિત રહી જશે..? આવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે ઉપરાંત વિધાનસભામાં જાહેર કરેલ નિવેદનમાંથી કર્મચારીઓ માટેની હોસ્પિટલોનો છેદ ઉડાવી દેવાયો છે. ત્યારે ખબર પડી કે પત્રકારોને વિશ્વનું સૌથી મોટું લોલીપોપ પકડાવી દેવાયું છે.
કેન્દ્ર અને ભાજપાની સરકારનો એવો પારદર્શક વહીવટ છે કે ગરીબો વધુ ગરીબ બને. મધ્યમ વર્ગ કચડાયેલો રહે. અને ધનવાનો વધુ ધનવાન બને. સાંસદો ધારાસભ્યના કોઈપણ જાતના ટેક્ષ કપાત સિવાય લાખ-લાખ રૂપિયા ઉપરાંતના પગાર ભથ્થા વધી જાય તેથી દલા તરવાડી જેવી નીતિ તો કોમન મેનને ફટકા ઉપર ફટકા પડે. ઘરેલું ગેસની સબસીડી નાબુદ થાય. કેરોસીનની સબસીડી નાબુદ થાય, વીજળી દરોમાં કોઈપણ બહાને વધુ વસુલાત, વીજ મીટરોની કીમત કરતા ભાડું લઈને અનેક મીટરોની કીમત વસુલી લેવાઈ છતાં ભાડાદર વસુલાય. મોંઘવારીનો માર વધતો જ ચાલે છે તો પેટ્રોલ-ડીઝલમાં ભાવ ઘટાડાની જાહેરાત સાથે તેમાં રાતોરાત એક્સાઈઝ ડ્યુટી વધારી દીધી એટલે ભાવ યથાવત રહ્યા. ભાજપાએ ચૂંટણીમાં અનેક વચનો આપ્યા હતા. પણ એકપણ વચન પાળ્યું નથી. અને જે પાળ્યા છે તે અધકચરા રહ્યા છે. લોકોમાં આ માટે ભારે આક્રોશ છે. તેમાં બાકી રહ્યું તે બંધારણમાં મફત શિક્ષણનો અધિકાર આપેલ છે. તેનો છડેચોક ખુદ સરકાર જ ભંગ કરી રહી છે. અનેક સરકારી-અર્ધ સરકારી શાળા-કોલેજો ખાનગી સંચાલકોને આપી દેવામાં આવી છે. એ ખુલ્લે આમ શિક્ષણનું વેપારીકરણ કરી નાખવામાં આવ્યું છે. જ્યારે શાળા-સંચાલકો પોતાની મનમાની ફી વસુલ કરે છે અને સરકાર આ બધા તમાશા જોયા કરે છે ત્યારે થાય છે કે ચૂંટણીમાં બેફામ નિવેદનો કરી-વચનોની લાણી કરતી ભાજપા સરકાર સત્તા મળ્યા બાદ માયકાંગલી કેમ બની જાય છે..? પ્રજાહિતના પ્રશ્નોને પ્રાધાન્ય કેમ નથી આપતી.? તેવા અનેક પ્રશ્નો આમ પ્રજામાં ઉઠવા પામ્યા છે. અને તેની અસર ચુંટણી પછી સચિવાલય ખાતે મંત્રીઓને અભિનંદન આપવા ઉમટી પડતો માનવ મહેરામણથી ઘટીને ટોળામાં પરિવર્તિત થઇ ગયો છે અને હવે તો અભિનંદન આપવા મોટા વેપારીઓ-ઉદ્યોગપતિઓ અને કંઈક મેળવવાની આશાવાળા જ મોટા ભાગના નહીવત સંખ્યામાં જોવા મળે છે. આમાંથી ભાજપા નેતાગણ બોધપાઠ લેવાનો સમય પાકી ગયો છે. જો તેમ નહિ થાય તો ભાજપાને ભવિષ્યમાં ભારે નુકશાન થશે.
બાકી હતું તે પત્રકારોને ગત વિધાનસભામા ૨૦૧૬-૧૭ના બજેટ સત્ર દરમિયાન નાણા મંત્રીએ પત્રકારોને અને તેના પરિવારને મેડીકલ સારવાર મફત મળી રહેશે અને એ પણ સરકારી કર્મચારીઓને જે હોસ્પિટલમાં મળે છે તે મુજબ જાહેરાત કરી પરિપત્રો બહાર પડ્યા હતા અને મીડિયા જગતમાં સૌ પ્રથમ સારા સમાચારથી ખુશી ફરી વળી હતી.
રાજ્યના માહિતી ખાતાએ મે-૨૦૧૭ પત્રકારો માટે મા-અમૃતમ કાર્ડના ફોર્મ વહેંચીને પત્રકારો પાસે ભરાવ્યા. પત્રકારોએ પોતાના ફોટા, પરિવારના ફોટા, આધાર, એક્રેડીટીએશન કાર્ડ, આઈકાર્ડની ઝેરોક્ષ સાથે ફોર્મ ભરીને આપ્યા પણ આરોગ્ય ખાતા સાથેના સંકલનના અભાવે કે સરકારમા કોણ પૂછનાર છે તેવા…….નવેમ્બર સુધી પત્રકારોને મા-અમૃતમ કાર્ડ ના આપ્યા. માહિતી ખાતાએ પુનઃ અક્રેડીટીએશન કાર્ડ રીન્યુ કરવા સાથે ‘મા-અમૃતમ’ કાર્ડ માટે ફોર્મ ભરવા આપ્યા જેમાં જ્ઞાતિ-જાતિ માગી એટલે મીડિયા જગતમાં હોહા મચી ગઈ. કારણ પત્રકારો ખુદ દરેક જ્ઞાતિ-જાતિમાં માનનાર છે. તેઓ જ્ઞાતિ-જાતિમાં વહેંચવા માગતા નથી એટલે ભારે આક્રોશ ફેલાતા આખરે માહિતી ખાતાએ અને આરોગ્ય ખાતાએ જ્ઞાતિ-જાતિ કોલમ કાઢી નાખી અને પત્રકારોએ બીજી વખત ફોર્મ ભર્યા. ત્યાર બાદ આશા હતી કે એક્રીડીટીએશન કાર્ડ રીન્યુ થઇ મળવા સાથે જ ‘મા-અમૃતમ’ કાર્ડ મળી જશે પરંતુ ‘મા-અમૃતમ કાર્ડનો છેદ ઉડી ગયો હતો.
આખરે ‘મા-અમૃતમ’ કાર્ડ અંગે વિધાનસભા ગૃહમાં વિપક્ષ હોહા ના મચાવે કે પ્રશ્ન ન આવે તે માટે પત્રકારોને બે દિવસની મુદત આપી. ‘મા-અમૃતમ’ કાર્ડ કઢાવી જવા જે-તે જિલ્લા મથકની માહિતી ખાતાની કચેરીએ પરિવાર સાથે બોલાવ્યા અને પુનઃ ત્રીજી વાર ફોટા, ઝેરોક્ષો સાથે ફોર્મ ભરાવી ‘મા-અમૃતમ’ કાર્ડ કાઢી આપ્યા પણ પત્રકારો સાથે મોટી રમત એ રમાઈ કે વિધાનસભામાં કરેલ જાહેરાતનો અમલ ન કરતા માત્ર આરોગ્ય વિભાગે નક્કી કરેલ દવાખાનામાંથી નક્કી કરેલ નીતિ મુજબ મેડીકલ સારવાર મળશે એટલે કે સરકારી કર્મચારીઓને જે હોસ્પિટલમા ફ્રી સારવાર મળે તે પણ તેઓના મેડીકલ ખર્ચ મુજબ તેનો છેદ જ ઉડાવી દેવાયો છે. જેથી ભાજપાના બે મોઢાની વાત સ્પષ્ટ જાહેર થઇ ગઈ એટલે કે વેચાઇ ગયેલ પત્રકારો સિવાયના તમામ મીડિયા પત્રકારોનો વિશ્વાસ પણ સરકારે ગુમાવી દીધો છે .