બ્રિટનમાં સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ ડેવિડ એમેસ (David Ames) પર શુક્રવારે બપોરે થયેલા હુમલા બાદ તેમનું મૃત્યુ થઈ ગયું. સાંસદ પર એ સમયે છરી વડે હુમલો કરવામાં આવ્યો જ્યારે તેઓ પૂર્વીય ઇંગ્લેન્ડના એક ચર્ચમાં પોતાના સહકર્મીઓ સાથે બેઠક કરી રહ્યા હતા. પોલિસે 25 વર્ષીય હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. અન્ય નેતાઓને ટ્વીટ કરીને આ ઘટના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને એમેસને શ્રદ્ધાંજલિ આપી. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદે કહ્યું કે, ‘એમેસ એક અદભુત વ્યક્તિ, મિત્ર અને સાંસદ હતા. લોકતાંત્રિક ભૂમિકા નિભાવવા દરમ્યાન એમેસને મારી નાખવામાં આવ્યા.’ સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ, બેઠક દરમ્યાન એક વ્યક્તિ ત્યાં પહોંચી અને તેણે એમેસ પર છરી વડે એક પછી એક ઘા કર્યા.
એસેક્સ પોલિસે કહ્યું કે, અધિકારીઓને લી-ઓન-સીમાં શુક્રવારે બપોરે ચાકૂના હુમલા અંગે માહિતી મળી હતી. તેમણે કહ્યું કે, એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી ચાકૂ મળી આવ્યો છે. પોલિસે કહ્યું કે, ‘અમને આ મામલામાં હવે અન્ય કોઈ વ્યક્તિની તલાશ નથી અને અમારું માનવું છે કે જનતા માટે કોઈ ખતરાની વાત નથી.’ ત્યારબાદ પોલિસે કહ્યું કે હુમલાની ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે. જોકે, મૃતકના નામનો ખુલાસો કરવામાં નથી આવ્યો. પોલિસે કહ્યું કે આરોપીને હત્યાની શંકા પર પકડી લેવામાં આવ્યો છે.