સંયુક્ત કિસાન મોરચાએ 18 ઓકટોબરે દેશભરમાં રેલ રોકો આંદોલન કરવાની જાહેરાત કરી છે. ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસા બાદ સરકારના વલણ સામે નારાજ થતાં ન્યાય માટે આ આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોની બે માંગો છે, એક રાજ્યમંત્રીને બરતરફ કરવામાં આવે અને બીજી તેમના આરોપી પુત્રની ધરપકડ કરવામાં આવે. સંયુક્ત કિસાન મોરચાએ ખેડૂતો અને દેશની જનતાને લખીમપુર ખીરીમાં શહીદ થયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવા અપીલ કરી હતી. મોરચાએ કહ્યું કે 12 ઓકટોબરના રોજ પોતાના ઘરની આગળ પાંચ મીણબત્તી પ્રગટાવીને શહીદ કિસાન દિવસ મનાવો. લખીમપુર ખીરીમાં થયેલી હિંસામાં ખેડૂતોના મોતનો મામલો શાંત થવાનું નામ લઇ રહ્યો નથી. દિવસે દિવસે મામલો ગરમાતો જાય છે. ખેડૂત સંગઠનોના નેતાઓ લખીમપુર ખીરી મામલે આગળ આવ્યા છે અને તેમને પત્રકાર પરિષદ કરી હતી. સંયુક્ત કિસાન મોરચાએ કેન્દ્રીયગૃહ રાજ્યમંત્રી અજય મિશ્ર અને તેમના દીકરા આશિષ મિશ્રાની ધરપકડની માંગ કરી છે.
સાથે જ અજય મિશ્રાને કેબિનેટથી હટાવવા માટે માંગ કરવામાં આવી છે. સંયુક્ત કિસાન મોરચા દ્વારા કહેવામાં આવ્યું છે કે, 12 ઓક્ટોબરના રોડ દેશભરના ખેડૂતો લખીમપુર ખીરી ખાતે પહોંચશે તથા લખનૌ ખાતે મહાપંચાયત પણ કરશે તથા 18 ઓક્ટોબરના રોજ રેલ રોકો આંદોલન પણ કરવામાં આવશે. ખેડૂત નેતા યોગેન્દ્ર યાદવે આ મુદે કહ્યું છે કે, આ પહેલા 12 તારીખના રોજ જે ખેડૂત અને પત્રકાર શહીદ થયા છે તેમના માટે લખીમપુરના તિકોનિયા ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. દેશભરના ખેડૂતો 12 ઓક્ટોબરના રોજ લખીમપુર પહોંચશે. લખીમપુરની ઘટના જલિયાવાલા બાગથી ઓછી નથી. તેમણે કહ્યું હતું કે, દેશના દરેક નાગરિક સંગઠનોને વિનંતી છે કે, તેઓ પોતાના શહેરમાં કેન્ડલ માર્ચ કાઢે. અમે સંપૂર્ણ દેશવાસીઓને અપીલ કરીએ છીએ કે, રાત્રે આઠ કલાકે પોતાના ઘરની બહાર મીણબત્તી પ્રગટાવે.