આપણે ભલે ગુજરાતના ગૌરવના બણગા ફૂંકતા હોઈએ, પણ કેટલાક કિસ્સાઓ સાંભળીને તમને પણ થઈ જશે કે આપણે પછાત સમાજમાં રહીએ છીએ. ગુજરાતના અનેક વિસ્તારોમાંથી અંધશ્રદ્ધાના એવા એવા કિસ્સા સામે આવતા રહે છે કે અરેરાટી થઈ આવે. હવે કચ્છના રાપર તાલુકામાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પરિવારના 6 લોકોના હાથ ઉકળતા તેલમાં નાંખીને બાળવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છના રાપર તાલુકામાં અંધશ્રદ્ધાના નામે છ લોકોના હાથ ઉકળતા તેલમાં નાંખવાની ધૃણાસ્પદ ઘટના બની છે. રાપર તાલુકાના ગેડી ગામે છ લોકોના હાથ ઉકળતા તેલના તવામાં પરાણે નંખાવતા ચકચાર મચી ગઈ છે. સાસરીવાળાઓએ યુવતીના પરિવારને ગરમ તેલમાં હાથ નાંખીને બેગુનાહી સાબિત કરવા પર દબાણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો યુવતીના ભાગવા પાછળ તેમનો હાથ નથી તો ગરમ તેલમાં હાથ નાંખો. દરમિયાન ગઈકાલે જમાઈ સહિત સસરા પક્ષના 9 લોકો દ્વારા પિયરપક્ષના સસરા હીરા ધરમશી કોળી સહિત 6 વ્યકિતઓને સમાધાન કરવા ગેડી બોલાવ્યા હતા.ત્યાંથી માતાજીના મંદિરે લઈ જવાયા હતા. બંને પક્ષના લોકો દ્વારા મંદિરે પહોંચ્યા હતા જયાં જમાઈ દ્વારા સસરા પક્ષના લોકો પર વહેમ રાખીને મારી પત્નીને તમે ભગાડી મુકી છે અથવા વેંચી દીધી છે એવા આક્ષેપો કર્યા હતા અને આ ખોટુ હોય તો પહેલાથી તવામાં રાખેલા ગરમ તેલમાં હાથ નખાવવા ધોકા, લાકડી સહિતના હથિયારો સાથે બળજબરી કરી હતી. આ ઘટનાએ વાગડ સહિત કચ્છઆખામાં ચકચાર મચાવી છે.
છોકરી ભગાડવાનો વ્હેમ રાખીને ભક્તાવાંઢના પીયરીયાઓને માતાજીના મંદિરમાં લઈ જવાયા હતા. જ્યાં ઉકળતા તેલનો તવો કરીને બળજબરીથી પરિવારના છ સભ્યોના હાથ ગરમ તેલમાં નંખાવ્યા હતા. ઉકળતા તેલમાં હાથ બળતા છ લોકોને રાપર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ત્યારે રાપર પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.