મંગળવારે કોલકત્તા હાઈકોર્ટના વકીલોના એક વિભાગે ન્યાયાધીશ રાજશેખર મંથાના કેટલાક નિર્ણયો પર સવાલ ઊભા કર્યા હતા અને તેમની સમક્ષ કાર્યવાહીમાં ભાગ લેવાનો પણ વકીલો દ્વારા ઇનકાર કરવામાં આવ્યો હતો. જ્યારે સોમવારના રોજ વકીલો દ્વારા જસ્ટિસ મંથા વિરુદ્ધ તેમની કોર્ટરૂમની બહાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જસ્ટિસ મંથાના વિરોધનો મામલો હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ સુધી પહોંચ્યો છે. સૂત્રો મુજબ, ચીફ જસ્ટિસે ઘટનાના ફોટા અને વીડિયોને સાચવી રાખવાનો આદેશ જારી કર્યો છે.
શુભેન્દુ અધિકારી મામલે આપેલા આદેશ સામે સવાલ
વાસ્તવમાં વિરોધ કરી રહેલા વકીલો દ્વારા જસ્ટિસ મંથાના કેટલાક આદેશો પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે. જેમાં ડિસેમ્બર મહિનામાં ભાજપના ધારાસભ્ય અને વિપક્ષના નેતા શુભેંદુ અધિકારી સાથે સંબંધિત કેસનો પણ સમાવેશ થાય છે, જેમાં જસ્ટિસ મંથાએ રાજ્ય પોલીસ તરફથી શુભેંદુ અધિકારીને સુરક્ષા આપી હતી. આ સાથે બીજેપી નેતા વિરુદ્ધ નોંધાયેલી તમામ એફઆઈઆર પર પણ સ્ટે આપવામાં આવ્યો હતો.
બાર એસોસિએશને કહ્યું- અમારે કોઈ લેવાદેવા નથી
બીજી તરફ કલકત્તા હાઈકોર્ટ બાર એસોસિએશને વકીલાનો આ વિરોધ પ્રદર્શનથી દૂરી બનાવીને રાખી છે. એક મીડિયા રિપોર્ટ મુજબ પ્રમુખ અરુણાભ ઘોષે કહ્યું કે, એસોસિએશનને આ આંદોલન સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે વધુમાં કહ્યું છે કે, અમે આ સ્થિતિ વિશે ચીફ જસ્ટિસને પણ જાણ કરી છે. તે જ સમયે, દક્ષિણ કોલકાતાના જોધપુર પાર્ક વિસ્તારમાં જસ્ટિસ મંથાના આવાસની બહાર દિવાલો પર સમાન આરોપો સાથેના પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા છે.
અગાઉ પણ એક જજ વિરુદ્ધ પ્રદર્શન થયું હતું
નોંધનીય છે કે, ગયા વર્ષે એપ્રિલમાં પણ એક જસ્ટિસના કોર્ટરૂમની બહાર આવું જ પ્રદર્શન થયું હતું. જસ્ટિસે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા પ્રાયોજિત અને સહાયતા પ્રાપ્ત શાળાઓમાં શિક્ષણ અને બિન-શિક્ષણ કર્મચારીઓની નિમણૂકમાં કથિત અનિયમિતતાઓમાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો.