ખેડા જિલ્લા કલેકટર કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાના વિવિધ અરજદારો દ્વારા કુલ 17 પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી. સરકારના નિયમો અને કાયદાની રૂએ તાકીદે આ પ્રશ્નોને હલ કરવાની દિશામાં કામ કરવા જિલ્લા કલેક્ટરે સંબધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ગેરકાયદેસર ઝાડ કાપણી, લેન્ડ ગ્રેબિંગ, ગેરકાયદેસર રસ્તા પર દબાણ, નહેર સંપાદિત જમીન કપાતની નોંધ ગામ નમુના નં 7માં પાડવા, ટ્રેન પ્રોજેક્ટ જમીન સંપાદન દ્વારા સર્વે નં.347ની સરકારી વેચાણ દસ્તાવેજોના આધારે જંત્રીભાવ આપવા, પગારમાંથી ઈપીએફ કપાત ન થતી હોવા અંગે, સીટી સર્વેમાં ફેરફાર એન્ટ્રી, બસો શરૂ કરવા, રસ્તા પર ગટરના પાણીથી સર્જાતી ગંદકીના નિકાલ કરવા, હાઈવે પર યોગ્ય જગ્યાએ સાઈન બોર્ડ લગાવવા, બસ સ્ટોપેજ અંગે, ગામની ગંદકી દુર કરવા અંગે, આર્બીટેશનના સંદર્ભમાં જરુરી વળતર અંગે, PMMVY સ્કીમનો મુદ્દો અને ગેરકાયદેસર બાંધકામ દુર કરવા અને જેવી બાબતોના કુલ 17 પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા.જિલ્લા કલેક્ટરએ ખૂબ જ શાંતિપુર્વક અરજદારોના પ્રશ્નોની રજૂઆત સાંભળી સંબધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી અરજદારોની સમસ્યાઓનું તાકીદે નિરાકરણ લાવવા જરુરી દિશાનિર્દેશો આપ્યા હતા. જાહેરહીતને સીધી જ અસર કરતી સમસ્યાઓ જેવી કે જાહેર જગ્યાઓના દબાણ અંગે આકરુ વલણ અપનાવતા કલેક્ટરએ સંલગ્ન વિભાગોને સહિયારો અભિગમ લઈ તાત્કાલિક ધોરણે પગલાઓ લેવા સુચન કર્યુ હતુ. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી પી.આર. રાણા, નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ સહિત સંબધિત વિભાગના અધિકારીઓ અને અરજદારો હાજર રહ્યા હતા.