નડિયાદ ડભાણ રોડ પર આવેલ નવી ખેડા જિલ્લા પંચાયત કચેરીના પટેલ હોલમાં આજે પંચાયતની સામાન્યસભા જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ સભામાં પ્રમુખે વર્ષ ૨૦૨૩-૨૪ નું અસલ અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં સ્વભંડોળની અંદાજીત આવક રૂપિયા ૨૧૩૯.૮૩ લાખની સામે જાવક રૂપિયા ૧૩૮૩.૩૭ લાખ દર્શાવવામાં આવી છે. બજેટમાં શિક્ષણક્ષેત્રે, ખેતીવાડી, બાંધકામ, નાની સિંચાઈ, સમાજકલ્યાણ, પંચાયત તથા વિકાસક્ષેત્રે ખર્ચ કરી આ ક્ષેત્ર પર વધુ ભાર મુકવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષનું બજેટ ૧૨ ટકા વધારા સાથેનું અસલઅંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું આ બજેટને ગામ્યવિસ્તારોના વિકાસલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું હતું. બજેટમાં વર્ષના અંતે રૂપિયા ૭૫૬.૫૬ લાખની પુરાંત અંદાજવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકારની તબદીલ થયેલ પ્રવૃતિઓ માટે રૂપિયા ૩૭૮૪૩.૭૫ લાખનો આવક–ખર્ચ અંદાજવામાં આવ્યો છે.
આ ઉપરાંત સભામાં ૧૫ મું નાણાંપંચ હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩ની જિલ્લા કક્ષાની ૧૦ ટકા ગ્રાન્ટ ના આયોજન કરેલ કામો પૈકીના મંજૂર થયેલ કામો સામે નવા કામો મંજૂર કરવામાં આવ્યા છે. વિવિધ સમિતિઓની મળેલ સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી. સભામાં ઉપસ્થિત રહેલા નવા ધારાસભ્ય સંય મહિડા, કલ્પેશ પરમાર, રાજેશ ઝાલા, અર્જુનસિંહ ચૌહાણનું ફૂલબુકેથી સન્માન કરવામાં આવ્યું હતું. આ સભામાં સચિવ જિલ્લાવિકાસ અધિકારી મેહુલ દવે, જિલ્લાનાયબ ડીડીઓ,શાખાધિકારીઓ, વિવિધ સમિતિઓના ચેરમેન તથા જિલ્લા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ