ખેડા જિલ્લાના માતર તાલુકાની ઉંઢેલા ગામે નવરાત્રિ દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી. નવરાત્રિના તહેવારમા આઠમની રાત્રે ગરબા રમવા બાબતે એક સમુદાયના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
નવરાત્રિ દરમિયાન ભાગોળમાં ગરબા રમી રહેલા લોકો પર પથ્થરમારો કરાયો હતો. માતર પોલીસ, એલ.સી.બી અને એસ.ઓ.જી. સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ પથ્થરમારાની ઘટનામાં આશરે ૬ થી ૭ ગ્રામજન ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા છે. ઘટનાની જાણ જિલ્લા પોલીસવડા અને ડીવાયએસપી તથા મામલતદારને થતાં તેઓ રાતે બનાવ સ્થળે દોડી આવ્યા હતા. હાલ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. નોંધનીય છે કે પોલીસની હાજરીમાં પથ્થરમારો થતાં બે પોલીસકર્મી પણ ઘાયલ થયા છે. આ અંગે ગામના સરપંચ ઈન્દ્રવદન પટેલે જણાવ્યું હતું કે ગામમાં હું જ્યારે સરપંચપદે ચૂંટાઈને આવ્યો ત્યારે મેં નવરાત્રિના આઠમના ગરબાની માનતા રાખી હતી અને ગરબા ગવડાવવા માટે મારી ખડકીથી તુર્જા ભવાની સુધી મહિમા રાખ્યો હતો.
નરેશ ગનવાણી : નડિયાદ