ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રોહિસા ગામે રહેતા બાબુ ખોડાભાઈ રાઠોડના પત્ની ગામના સરપંચ છે. જોકે સંપૂર્ણ વહીવટ બાબુ રાઠોડ જ સંભાળે છે. ફરીયાદીએ બોરની ટાંકી અને ઓરડાની આકારણી કરવા માટે ગ્રામ પંચાયત ખાતે અરજી કરી હતી. જેમાં સરપંચના પતિ બાબુ રાઠોડ, ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પ્રશાંત ચીમનલાલ પરમાર અને પંચાયતના સભ્ય બળદેવ બીજોલભાઈ રબારીએ ઉપરોક્ત કામ માટે રૂ. ૨ લાખ રકમની માંગણી કરી હતી. સરપંચના પતિ, તલાટી અને સભ્યએ અરજદારને જણાવ્યું હતું કે જમીનની આકારણી થશે. બાદમાં બોરની આકારણી માટે રૂપિયા ૨ લાખ રોકડાની માંગણી કરી હતી. આ નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે ગાંધીનગર એસીબીનો સંપર્ક કરતા ગઈકાલે બુધવારે એસબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું.
સરપંચ પતિ બાબુ રાઠોડે અરજદારને પોતાના મકાનમાં બોલાવ્યો હતો. આ દરમિયાન અરજદાર સાથે ગાંધીનગરની ACB ટીમે ઘટનાસ્થળે પહોંચી અને લાંચ પેટે રૂ.૨ લાખ સ્વીકારતા રંગેહાથ બાબુ રાઠોડને ઝડપ્યો હતો. આ સમગ્ર ઘટનામાં તલાટી કમ મંત્રી પ્રશાંત પરમાર અને પંચાયતના સભ્ય બળદેવ રબારી હાજર નહોતા. જેથી આ બંનેને પણ ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આમ ગાંધીનગર ACBએ આ સમગ્ર મામલે કુલ ત્રણ સામે લાંચ અધિનિયમ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ