અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે નં8 પર ખેડા-ધોળકા બ્રિજ પાસે ટેન્કરમાં આગ લાગતા આ સમગ્ર હાઈવે એક કલાક સુધી બંધ કરવામાં આવ્યો હતો ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે આગને કાબુમાં લીધી હતી. આ ઘટનામા ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો.
અમદાવાદ વડોદરા નેશનલ હાઇવે નંબર 8 પર ધોળકા બ્રિજ પાસે ટેન્કરમાં આગ લાગતાં ખાદ્યતેલનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આ ટેન્કરમાં 28 હજાર લીટર ખાદ્યતેલ ભરેલું હોય આ ટેન્કર ગાંધીધામ કચ્છથી મહારાષ્ટ્રના ઔરંગાબાદ જઈ રહ્યું હતું તે સમયે અચાનક ધોળકા બ્રિજ પાસે ટેન્કરના ટાયરમાં આગ લાગતા આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. આ ટેન્કરમાં આગ લાગતાની સાથે જ હાઇવે પેટ્રોલિંગ ટીમે તુરંત જ અમદાવાદથી વડોદરા તરફનો હાઇવે બંધ કર્યો હતો. હાઇવે પરનો ટ્રાફિક ખેડા ટાઉન તરફથી ડાઈવર્ટ કરી પસાર થતો હતો. અંદાજિત એક કલાક સુધી આ હાઈવેને બંધ કરવામાં આવ્યો હતો. આગની જાણ થતા નડિયાદ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. અડધા કલાકની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો.
આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ સહિત હાઈવે પેટ્રોલિંગના સ્ટાફે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા હાઇવે પેટ્રોલિંગની ટીમે તુરંત અમદાવાદથી વડોદરા તરફની લેન બંધ કરી દીધી હતી. જેના કારણે આશરે એક કલાક સુધી હાઇવે બંધ થયો હતો. આ હાઇવે પરથી જનારા ખાનગી વાહનો તેમજ એસ.ટી.ની બસોને રૂટ ડાયવર્ટ કરતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તેવું જાણવા મળ્યું છે.
નરેશ ગનવાણી : નડિયાદ