ખેડાના ખુમારવાડા ગામમાં યુવાન પારિવારિક પ્રશ્નો મામલે મન દુઃખ થતાં મોબાઇલ ટાવર પર ચઢી જતાં ગામ પરિવારજનો અને તંત્રમાં દોડધામ મચી ગઇ હતી જેના કારણે પોલીસ સહિત તાલુકા વહીવટી તંત્ર દોડતું થઇ ગયું અને લગભગ 3 કલાકની સમજાવટ બાદ યુવાન પોતાની જાતે નીચે ઉતરી જતાં ગ્રામજનો અને યુવાનના સ્વજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ખેડા તાલુકાના ખુમારવાડા ગામે ગઇકાલે રાત્રે ગામમાં રહેતા આસરે 22 વર્ષિય યુવાને ગામને માથે લીધું હતું. આ યુવાને ઘર નજીક બસ સ્ટેન્ડ પાછળ આવેલ મોબાઇલના ટાવર પર ચઢી જતાં ગ્રામજનો અને તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. સ્વજનો, ગામના સરપંચ સહિત ગ્રામજનો દોડી આવ્યા અને સમજાવટ કરવા લાગ્યા પણ યુવાન એકનો બે ના થયો. છેવટે ખેડા ટાઉન પોલીસ તેમજ ફાયરબ્રિગેડ અને ખેડા શહેર મામલતદાર દોડી આવ્યા હતા. આ સમગ્ર ઘટના સંદર્ભે ખેડા ટાઉન પોલીસના બીટ જમાદાર મહેશભાઈએ જણાવ્યું કે, આ યુવાન એલએલબી ના અભ્યાસ અર્થે બહાર રહે છે અને તે ગામડે આવતા પારિવારિક કોઈ પ્રશ્ન મામલે મનદુઃખ હતું તેણે આવુ પગલુ ભર્યુ હતું લગભગ ૩ કલાક ચાલેલા હાઈવોલ્ટેજ ડ્રામા બાદ યુવાનને સમજાવટ બાદ છેલ્લે યુવાન આપમેળે નીચે સહી સલામત જમીન પર ઉતારી ગયો હતો. જેના કારણે યુવાનના સ્વજનો અને ગ્રામજનો તેમજ પોલીસ તથા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
નરેશ ગનવાણી : નડિયાદ