ખેડા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખેડા તાલુકાના હરિયાળા રધવાણજ રસ્તા નેશનલ હાઇવે નંબર-૮ વાત્રક નદી પર રૂ. ૩૪.૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ પુલનું લોકાર્પણ કેન્દ્રીય રાજ્યકક્ષા સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણ અને માતરના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ ખેડા તાલુકાના ખેડા -ધોળકા રસ્તા પર રસિકપુરા ગામ ખાતે સાબરમતી નદી ઉપર અંદાજીત રૂ.૨૯ કરોડના ખર્ચે બનાવેલા સાબરમતી પુલનું ઉદ્ધઘાટન કેન્દ્રીયમંત્રી દેવુસિંહ ચૌહાણ અને ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના હસ્તે કરવામાં આવ્યું હતું.
રસિકપુરાના ગ્રામવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ આપતા મંત્રીએ જણાવ્યું કે, સરકારનું કામ લોકોના હિત માટે સદૈવ કામ કરવાનું છે. ખેડા જિલ્લામાં ગામેગામ સુધી આજે રોડની કનેક્ટિવિટી છે. તેમજ છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાત સરકાર લોકોનું જીવન ધોરણ ઊંચું આવે તે પ્રકારની નીતિ ઘડી રહી છે. આજે ગુજરાતમાં દરેક ખુણે અંતરિયાળ ગ્રામવાસીઓ જોડે પણ જીવન જરૂરિયાતની માળખાકીય સુવિધા પહોંચી રહી છે. અન્ય રાજ્યોના લોકોની સરખામણીમાં ગુજરાતના લોકોનું જીવન ધોરણ ઊંચું છે. પ્રાસંગિક ઉદ્દ્બોધન આપતા મંત્રીએ જણાવ્યું કે, આજે આ બે પુલના લોકાર્પણથી ટ્રાફિકની સમસ્યા ધટશે. વાત્રક નદી અને સાબરમતી નદી પરનો પુલ રૂ ૬૩.૫૦ કરોડના ખર્ચે બનવવામાં આવ્યો છે. આ બને પુલ ૪૦૦ મીટરની લંબાઈ અને ૧૦.૫૦ મીટરની પહોળાઈ ધરાવે છે. વધુમાં મંત્રીએ ખેડા જિલ્લાના નાગરિકોને પોતાના બાળકો અને પરિવારના લોકો રોડ સેફટીના નિયમોનું પાલન કરે રસ્તા ટુ –વ્હિલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરે જેથી અકસ્માત ઓછા બને તેવી વિનંતી કરી હતી.
મંત્રીએ આ બંને પુલ નિર્માણમાં સોઇલ ટેસ્ટિંગથી માંડીને પુલના નિર્માણ સુધી જાતે કેટલી મુલાકાત લીધી છે તેની માહિતી લોકો સમક્ષ મૂકી તેમજ રોડ પર પડતા ખાડા કેવી રીતે પડે છે તેમાં જનીનની ભુમિકા શું હોય છે. તેની માહિતી આપી હતી. સાથોસાથ પુલ અને રસ્તા સરકાર બનાવી આપે છે પણ તેની આસ પાસ સ્વચ્છતા રાખવી એ સૌની જવાબદારી છે તેથી પુલ પર સફાઇ રાખવાની લોકોને વિનંતિ કરી હતી. આ કાર્યક્રમમાં માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ,ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, ખેડા પ્રાંતઅધિકારી કોમલબેન પટેલ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સાલવી, માર્ગ અને મકાન નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી સહિત માર્ગ અને મકાન વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ અને ગામના લોકો હાજર રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ