ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના કાલસર ગામે રહેતો યુવક તેમના મામા દ્વારા આણંદ જિલ્લાના વડોદ ગામના રાજુભાઈ ઉર્ફે સોહીલસા ઉર્ફે કાલીશા ઉર્ફે કાળીયો સલીમસા દિવાનના પરિચયમાં આવ્યા હતા અને આ વ્યક્તિએ જણાવેલ કે ડભાસી તારાપુર રોડ ઉપર કૈલાસબેન રમણભાઈ ચૌહાણની દીકરી જેના લગ્ન કરવાના છે. તમે આવીને છોકરીને જોઈ જાવ આથી યુવક અને તેમના પરિવારજનો તથા તેમના મામા ૧૧ મી નવેમ્બર ૨૦૨૨ ના રોજ દીકરીને જોવા ગયા હતા જ્યાં વડોદ ગામના રાજુભાઈ ઉર્ફે સોહીલસા સલીમસા દિવાન અને તેમના પિતા સલીમસા હુસેનશા દિવાન પણ હાજર હતા. છોકરી પસંદ આવતા છોકરીના ભાઈ સાથે પરિચય અપાવ્યો હતો. ત્યારબાદ લગ્ન માટે દીકરીની માતા કૈલાસબેને લગ્ન કરાવવા માટે રૂપિયા ૧.૫૦ લાખ આપવાનુ પણ નક્કી કર્યું હતું.
ત્યારબાદ યુવતીની માતા કૈલાશબેને જણાવ્યું હતું કે અમારે જમીન છૂટી કરવાની છે. જેથી તમારે રૂપિયા ૭૦ હજાર પહેલા આપવા પડશે તો અમે સગાઈ કરવા માટે આવીશું. જોકે આ નાણાં અને બીજા માંગેલા નાણાં મળી કુલ રૂપિયા ૯૦ હજાર રૂપિયા યુવક અને તેમના પરિવારજનોએ આપ્યા હતા અને સગાઈ પણ કરાઈ હતી. લગ્નની તારીખ નક્કી કરાઈ હતી. પરંતુ આ કૈલાશબેન જણાવેલ કે અમારા પરિવારમાં એક વ્યક્તિનું મરણ થયેલ છે એટલે આ તારીખ લંબાવી પડશે. જે બાદ લગ્ન થયા નહોતા. અવારનવાર યુવકના પરિવારજનો લગ્ન માટે કહેતા હતા. પરંતુ આ લોકો કોઈ ગણગારતા ન હોય. ફોન પર પણ સરખો જવાબ આપતા ન હતા છેવટે આપેલા નાણાં પરત આપવાની વાત કરી હતી. જોકે યુવતીની માતાએ લીધેલા નાણાં પૈકી ૨૦ હજાર રૂપિયા પરત આપ્યા હતા અને બાકીના રૂપિયા ૭૦ હજાર ન આપતાં તપાસ કરતા આ ટોળકી ઠગ હોવાનુ સામે આવ્યું હતું. જેમાં યુવતી તો વડોદરાની હોવાનું ખુલ્યું હતું. તેણીનું નામ હેતલબેન ઉર્ફે શ્રદ્ધા ઉર્ફે કોમલ અરવિંદભાઈ, રાજુ ઉર્ફે સોહિલશા દિવાન, સલીમશા હુસેનશા દિવાન, કૈલાશબેન રમણભાઈ ચૌહાણ, લાલજીભાઈ રમણભાઈ ચૌહાણ તમામ રહે. વડોદરા અને યુવતીના ખોટા માવતર બન્યા હોવાની વીડિયો સામે આવ્યો હતો. આ ઠગ ટોળકી યુવકોને ફસાવી લગ્નની લાલચ આપી નાણાં પડાવતા હોવાનું પણ યુવકને જાણવા મળતા યુવકે ઉપરોક્ત ટોળકી સામે ડાકોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી છે.
નરેશ ગનવાણી : નડિયાદ