ગુજરાતના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા વન અને પર્યાવરણ રાજય મંત્રી મુકેશભાઈ પટેલના વરદ હસ્તે રૂ. ૨૧.૬૦ કરોડના નહેર સુધારણા કામોનો ખાતમુહૂર્ત સમારોહ મહેમદાવાદ તાલુકાના રુદણ ગામ ખાતે યોજાયો હતો. જેમાં શેઢી કમાન્ડ હસ્તકની કુલ ૪૪.૬૨ કી.મી. લંબાઇ ધરાવતી ટેઇલ ડીસ્ટ્રી રુદણ, મહુધા ડીસ્ટ્રી અને નેનપુર ડીસ્ટ્રીના નહેર સુધારણાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી કુંવરજી ભાઈ બાવળીયાએ ખેડૂતો માટે સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલ અનેકવિધ યોજનાઓ અને કાર્યક્રમોની વાત કરતા જણાવ્યું હતુ કે રાજ્ય સરકાર છેવાડાના વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી પહોંચાડવા કટિબદ્ધ છે.
ખેડા જિલ્લામાં રૂપિયા ૨૧.૬૦ કરોડના ખર્ચે હાથ ધરાનાર નહેર સુધારણા કામોથી આવનારા સમયમાં મહેમદાવાદ અને મહુધાના ૪૯ ગામોમાં પિયતનો વિસ્તાર વધશે અને ખેડૂતોને લાભ થશે. તેમણે ઉમેર્યું કે મહી – કડાણા યોજના, મુખ્ય નહેરોના સુધારણા કાર્યક્રમ દ્વારા આજે મોટા વિસ્તારમાં પિયતની સુવિધા ઉપલબ્ધ થઇ છે. અને મધ્ય ગુજરાતમાં મોટા ડેમ નેટવર્ક અને તેમાં ખૂટતી બાબતોને સુધારણા કામગીરી દ્વારા સિંચાઈ વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવાની સાથે સુજલામ-સુફલામ્ યોજના અંતર્ગત કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં સ્ટ્રક્ચર રીપેર, ડેમ, કેનાલ અને ચેકડેમ અને પાઇપલાઇનની મદદથી સિંચાઈ માટે સુદૃઢ વ્યવસ્થાઓ ઉભી થઇ છે.
આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે સરકાર દ્વારા લોકોને પીવા માટે તથા ખેડૂતોને સીંચાઈ માટે પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે કટીબધ્ધતા સાથે કાર્ય કરવામાં આવી રહયું છે તેમ જણાવી લોકો – ખેડૂતોને પાણીનો જવાબદારી પૂર્વક ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ દ્વારા મહેમદાવાદ વિસ્તારમાં રોજગાર અને સિંચાઈ વ્યવસ્થાના કાર્યોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ હોવાનું જણાવ્યુ હતુ. જયારે જળ સંપતિ વિભાગના સચિવ કે. એ. પટેલ દ્વારા ખેતીમાં રાસાયણીક ખાતરોનો ઓછો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી તરફ વળવા અને પાણીને સ્વચ્છ રાખવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્યો સર્વ રાજેશ ઝાલા, યોગેન્દ્રસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી, જળ સંપતી વિભાગના અધિક સચિવ એ. ડી. કાનાણી, મહેમદાવાદ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદ ડાભી, આગેવાન અજબસિંહ ડાભી, તાલુકા કારોબારી ચેરમેન નિલેશ ચૌહાણ, જિલ્લા પુરવઠા અધિકારી અક્ષય પારગી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને મહેમદાવાદ-મહુધાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ