ખેડામાં ગત વર્ષે ગરબા કાર્યક્રમમાં પથ્થરમારાના આરોપીઓને જાહેરમાં માર મારવાના કેસમાં ખેડા પોલીસના ચાર કર્મીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. પોલીસે કેટલાક યુવાનોને થાંભલા સાથે બાંધીને જાહેરમાં માર માર્યો હતો. જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. ત્યાર બાદ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો અને હવે હાઈકોર્ટે ચારેય પોલીસ કર્મીઓને સજા ફટકારી છે. જેમાં ચારેય પોલીસ કર્મીઓને 14 દિવસની જેલની સજા અને 2 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ચારેય આરોપીઓને કોર્ટનો ઓર્ડર મળ્યાના 10 દિવસમાં હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે.
બીજી તરફ પોલીસ કર્મીઓએ પીડિત મુસ્લિમ યુવકોને વળતર આપવાની તૈયારી દર્શાવી હતી અને આ યુવકોએ વળતર લેવાની ઓફરને ફગાવી દીધી હતી. ગત સોમવારે કોર્ટમાં થયેલી સુનાવણીમાં પીડિત મુસ્લિમ યુવકોના વકીલે દલીલ કરી હતી કે, તેમના અસીલને પોલીસ કર્મીઓનું વળતર નહીં પણ ન્યાય જોઈએ છે. બીજી તરફ કોર્ટે કરેલી સજા સામે દોષિતના વકિલ તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા સ્ટેની માંગ કરવામાં આવી છે. ત્યારે હાઈકોર્ટે હૂકમની સજાની અમલવારી પર ત્રણ મહિનાનો સ્ટે આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે નવરાત્રિમાં ખેડાના ઉંધેલા ગામમાં ગરબામાં પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં પોલીસે મુસ્લિમ સમાજના 13 આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેમને જાહેરમાં થાંભલા સાથે બાંધીને માર માર્યો હતો. આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.