માતરના રતનપુરની પરીણિતાને સાસુ અને સસરા ઘરમાં કરીયાણું વધારે વાપરે છે તેમ કહી મહેણાં ટોણાં મારતાં હતા અને અમે અમારા દિકરાના બીજા લગ્ન કરાવી દઈશુ તેમ કહી શારિરીક માનસિક ત્રાસ આપતા હતા. આ સમગ્ર મામલે પીડીતાએ પોતાના સાસુ-સસરા સામે નડિયાદ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વસો તાલુકાના થલડી ગામની ૨૧ વર્ષિય યુવતીના પુનઃ લગ્ન વર્ષ ૨૦૨૨ મા માતર તાલુકાના રતનપુર ગામના યુવાન સાથે થયા હતા. કરિયાવર લઈને સાસરે આવેલ આ યુવતીના બે સાસુ હોય જેમાંથી બીજા નંબરે આવતી સાસુનો ત્રાસ વધુ હતો. સાસુ અને સસરા અવારનવાર પીડીતાને રોકટોક કરતા હતા. ઘરમાં કરીયાણું વધારે વાપરે છે તેમ કહી મહેણાં ટોણાં મારતાં હતા. તો વળી પીડીતા ચૂલા પર રસોઈ બનાવતી હોય ત્યારે ચૂલામાં પાણી ઢોળી દેતા હતા. જોકે આ તમામ ત્રાસ પરીણિતા મુંગા મોઢે સહન કરી રહેતી હતી. ત્રાસ વધતા પતિ-પત્ની બંને અલગ રહેવા ગયા હતા. પરંતુ આ દરમિયાન પણ આ બીજા નંબરની સાસુ અને સસરા અવારનવાર દખલગીરી કરતા હતા. ઘરનું લાઈટ કાપી નાખે, પાણી ન ભરવા દે, ચૂલામાં પાણી નાખી દે વીગીરે હેરાનગતિ કરવા લાગ્યા હતા. પતિ મજુરી કામે જાય એટલે સાસુ, સસરા તેણીના ઘરે આવી કહે તુ મારા દિકરાને છુટાછેડા આપી દે તેમ કહી શારિરીક માનસિક ત્રાસ આપતા હતા. ૧૧ ઓક્ટોબરના રોજ મામલો ઉગ્ર બનતાં તેણીના સાસુ સસરાએ પીડીતાને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. ત્યારબાદ પીડીતાએ મહિલા પોલીસનો સહારો લઈને ન્યાય મેળવવા નડિયાદ મહિલા પોલીસમાં પોતાના સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાવી છે.
નરેશ ગનવાણી : નડિયાદ