ખેડા પાલિકા દ્વારા તહેવાર ટાણે નગરમાં રોડ રસ્તાના કામ શરૂ કરાયા છે. ત્યારે નાગરિકોમાં અસંતોષની લાગણી જોવા મળી હતી. આગામી દિવસ પછી નવરાત્રીનું મહાપર્વ આવી રહ્યું છે. ત્યારે તે પહેલા આ રોડ બનશે કે કેમ એવી મુંઝવણથી યુવાનો ચિંતિત જોવા મળ્યા છે.
ખેડા મોટા જૈન દેરાસર અને મોટા પટેલવાડો વિસ્તારમાં બે દિવસ પહેલા જૂનો સિમેન્ટ કોંક્રિટ રોડ તોડી નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને લઈને નાગરિકોને અવરજવરમાં ઘણી મુશ્કેલી ઊભી થઈ છે. રોડ તોડવાની કામગીરી વખતે અંડરગ્રાઉન્ડ વીજ વાયર કપાઈ ગયા હતા મંગળવારે આ વિસ્તારમાં ત્રણેક કલાક વીજ પુરવઠો ખોરવાયો હતો. અંદાજિત રૂ.૮ લાખના ખર્ચે નવીન રોડનો વર્ક ઓર્ડર કોન્ટ્રાક્ટરને છ મહિના પહેલા આપવામાં આવ્યો હતો. પરંતુ ચોમાસાના કારણે કે આ કામ કરવામાં આવ્યું ન હતું. ત્યારે હાલ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવતા લોકો દ્વારા દિવાળી પહેલા કાર્ય સમેટી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
નરેશ ગનવાણી : નડિયાદ