ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ગઈકાલે શિવજીની યાત્રા પર પથ્થરમારાની ઘટના બની હતી. ઠાસરા ગામમાં શ્રાવણ મહિનાની અમાસને લઈ શિવજીની સવારી કાઢવામાં આવી હતી ત્યારે શિવજીની આ યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ કેસમાં 3 પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે કાર્યવાહી કરતા પોલીસે 11 લોકોની અટકાયત કરી છે. માહિતી મુજબ, હિન્દુ-મુસ્લિમ પક્ષે સામ-સામે ફરિયાદ કરી હતી.
બે કોમના લોકો સામ-સામે આવી જતા પથ્થરમારો
ખેડા જિલ્લાના ઠાસરા ગામમાં શ્રાવણ મહિનાની અમાસને લઈ શિવજીની સવારી કાઢવામાં આવી હતી ત્યારે બે કોમના લોકો સામ-સામે આવી જતા પથ્થરમારો થયો હતો, જેને લઈને વિસ્તારમાં તંગદિલી છવાઈ હતી. આ મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પરિસ્થિતિને વધુ બગડતા અટકાવી હતી અને કાબૂમાં લીધી હતી. ઠાસરા, સેવાલિયા, ડાકોરની પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. ત્યારે આ ઘટનામાં હિન્દુ-મુસ્લિમ પક્ષે સામ-સામે ફરિયાદ કરતા ત્રણ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
અત્યાર સુધી 11 લોકોની અટકાયત
માહિતી મુજબ, આ પથ્થરમારાની ઘટનામાં પોલીસે અત્યાર સુધી 11 લોકોની અટકાયત કરી છે. મુસ્લિમ ફરિયાદીએ હિન્દુના ટોળા સામે જ્યારે હિન્દુ ફરિયાદીએ 17 મુસ્લિમોના નામ જોગ ફરિયાદ નોંધાવી હતી. આ સાથે પોલીસે અન્ય 50 લોકોના ટોળા સામે પણ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, હાલ વિસ્તારમાં શાંતિનો માહોલ છે. બજારમાં કેટલીક દુકાનો પણ ખુલી છે. વિસ્તારમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે.