ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ખેડા જિલ્લાના નદીકાંઠાનાં ગામો પ્રભાવિત થયાં છે. ત્યારે ખેડાના દેદરડાથી વાસણા ખુર્દ ગામ વચ્ચે વાત્રક-મેશ્વો નદી પર બની રહેલા નિર્માણધીન પુલના સ્લેબના નીચેના ટેકા પડી ગયા હતા. જે બાદ સ્લેબ પાણીમાં વહી ગયો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ખેડાની વાત્રક નદીમાં નવાં નીર આવતાં નદી બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે ખેડા તાલુકાના દેદરડાથી વાસણા ખુર્દ ગામ વચ્ચે વાત્રક-મેશ્વો નદી પર બની રહેલ નવ નિર્માણ બ્રિજનું સ્ટ્રકચર પાણીના તીવ્ર પ્રવાહના કારણે એકાએક તૂટી પડ્યું હતું. જે બાદ સ્ટ્રક્ચર પ્રવાહ સાથે તણાતું ગયું આ સમગ્ર ઘટનાનો વીડિયો સ્થાનિકોએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં તંત્ર પણ દોડતું થઇ ગયું હતું.
આ મામલે વાસણા ખુર્દ ગામના સરપંચ ગોપાલ ચૌહાણે જણાવ્યું હતું કે, આ બ્રિજનુ કામ છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું છે. અંદાજીત ૯ કરોડના ખર્ચે બ્રિજ તૈયાર થઈ રહ્યો છે. આ બ્રીજ બનતા આસપાસના ૭ થી વધુ ગામો અને પરા વિસ્તારને લાભ થાય એમ છે. હાલ અમે હરિયાળા તરફથી આવનજાવન કરી રહ્યા છે. ગતરોજ વહેલી સવારે આ નદીમાં પાણીનો પ્રવાહ વધુ આવતાં નિર્માણધીન બ્રિજનુ સ્ટ્રક્ચર તૂટી પડ્યુ અને પાણીમાં વહી ગયું હતું બ્રિજને કોઈ નુકસાન નથી.