આજરોજ ખેડા જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ઇ. ચા. જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલના અધ્યક્ષસ્થાને જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરની આગોતરી તૈયારીના ભાગરૂપે જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપનના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
બેઠક અંતર્ગત રાજ્યમાં બિપરજોય વાવાઝોડાની અસરના ભાગરૂપે હવામાન વિભાગ દ્વારા ખેડા જિલ્લા ખાતે ભારે પવન સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત કલેકટર દ્વારા ત્વરિત અસરથી જિલ્લામા તમામ જગ્યાએથી જોખમી હોર્ડિંગ અને ફ્લેક્સ ઉતારવા પ્રાંત અધિકારીઓ તથા મામલતદારઓ અને ટિડીઓ ને સૂચના આપી. બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરની તાકીદની પરિસ્થિતિમાં વીજ પુરવઠો, પાણી પુરવઠો, રોડ રસ્તાઓ, આરોગ્યલક્ષી વગેરે જેવી આવશ્યક સેવાઓ ઓછામાં ઓછી ખોરવાય તેમજ વાવાઝોડાની અસરવાળા વિસ્તારોમાં આવશ્યક સેવાઓ સત્વરે મળી રહે તે માટે સુચારૂં આયોજન ગોઠવવા કલેક્ટરએ સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
આ ઉપરાંત કલેકટરએ જરૂર પડ્યે તળાવો તથા નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતર તથા પશુઓની સલામતી માટે યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. સાથેસાથે ગામમાં સ્પીકરો દ્વારા તથા પરંપરાગત માધ્યમ દ્વારા વાવાઝોડાના સમયે રાખવાના તકેદારીના પગલાંની સૂચનાઓ સત્વરે અને સમયાંતરે ગ્રામજનો સુધી પહોંચે તેની વ્યવસ્થા કરવા ટીડીઓને કલેકટરએ સૂચન કર્યું હતું.
બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર બી. એસ. પટેલે સંભવિત બિપરજોય વાવાઝોડાની આગોતરી તૈયારીમાં જે તે અધિકારીઓને સોંપેલી કામગીરીને સુપેરે પાર પાડવાં જરૂરી સુચનો કર્યાં હતા. આ ઉપરાંત જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે જિલ્લા ખાતે ઝડપી પવનની આગાહીના ભાગરૂપે ઝાડ પડવા તથા પાણી ભરાવાથી સર્જાતી ટ્રાફિક સમસ્યાનો ત્વરિત નિકાલ કરવા પોલીસ વિભાગની મોબાઈલ વાનો કાર્યરત રહેશે.
ઉલ્લેખનીય છે કે વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાને રાખી તથા આવનાર વરસાદની ઋતુ માટેના આગમચેતીના પગલાં રૂપે જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ જિલ્લા સેવા સદન, નડિયાદમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ ખાતે ૨૪ કલાક કાર્યરત રહેશે. કોઈપણ આપત્તિજનક સ્થિતિમાં ૦૨૬૮-૨૫૫૩૩૫૬ નંબર પર કંટ્રોલરૂમનો સંપર્ક સાધી શકાશે.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, અધિક નિવાસી કલેકટર બી. એસ. પટેલ, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, ટીડીઓઓ સહિત જિલ્લાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા.